અમેરિકામાં સોયાતેલનો સ્ટોક ઘટવાના અહેવાલથી તેજી

અમેરિકામાં સોયાતેલનો સ્ટોક ઘટવાના અહેવાલથી તેજી
સ્થાનિક બજારમાં સપ્લાય જળવાઇ રહેવાની ધારણા  
કલ્પેશ શેઠ  
મુંબઇ, તા. 15 સપ્ટે. 
આગામી પખવાડિયામાં ચોમાસું પૂરૂં થશે તથા વરૂણ દેવ વિદાય લેશે. ત્યારે આ વખતે ભારતમાં ખાદ્ય તેલીબિયાંના વાવેતરમાં 19 ટકા જેટલો ઉંચો વધારો જોવામળ્યો છે. જે આગામી દિવસોમાં ભારતને ખાદ્યતેલોના વપરાશમાં આત્મનિર્ભર બનાવવા તરફ દોરી જશે. ઓગસ્ટ-20માં  ભારતમાં ખાદ્યતેલોનો સ્ટોક 12.77 લાખ ટન વધ્યો હોવાના અહેવાલ છે. જો કે યુ.એસ.ડી.એ સોયાતેલના મોટા વપરાશકાર એવા અમેરિકાના સોયાતેલનાં સ્ટોકમાં મોટા પાયે ઘટાડો થવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આર્જેન્ટિનામાં સોયાબીનનું ઉત્પાદન 500 લાખ ટન થવાનો અંદાજ આવ્યો છે. જે ગત વર્ષ કરતા ઓછો છે. 
અમેરિકાનાં ક?ષિ વિભાગે રજૂ કરેલા સપ્ટેમ્બર-20 નાં અંદાજમાં આગામી દિવસોમાં અમેરિકામાં સોયાતેલના સ્ટોકમાં ઘટાડો થવાની  ચિંતા વ્યકત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે વર્ષ 2020-21 માં અમેરિકાના ખાદ્યતેલ સોયાતેલનો સ્ટોક ઘટીને 1860 મિલિયન પાઉન્ડ વજન થવાની સંભાવના છે. અગાઉ ઓગસ્ટ=20 માં સ્ટોક 2075 મિલિયન  પાઉન્ડ રહેવાનું અનુમાન મુકાયું હતું. હવે આગામી સિઝનમાં અમેરિકામાં સોયાતેલનું  ઉત્પાદન 25265 મિલિયન પાઉન્ડ થવાની ધારણા મુકાઇ છે. જ્યારે આયાત 350 મિલિયન પાઉન્ડ રેહવાની ધારણા છે. 
બાયોડિઝલનો વપરાશ 8000 મિલીયન પાઉન્ડ થવાનો અંદાજ મુકાયો છે.આજરીતે નિકાસ 2600 મિલિયન પાઉન્ડ રહેશે. સોયાતેલના સ્ટોકમાં ઘટાડો થવાના અહેવાલ આવતા વૈશ્વિક બજારોમાં ભાવ ઉંચકાયા હતા. જો કે સ્થાનિક સ્તરે ભારતમાં આ વખતે સોયાબીનનું વાવેતર વધારે હોવાથી  સપ્લાયને બહુ અસર નહીં થાય એવી ધારણા સાથે  સ્થાનિક બજારોમાં મોટી તેજી દેખાઇ નથી. 
સાથે જ સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસો. (એસ.ઇ.એ)ના આંકડા બોલે છે કે ભારતીય બંદરોએ તથા પાઇપલાઇનમાં ખાદ્યતેલનો સ્ટોક વધીને17.31 લાખ ટન રહ્યો છે. જે એક મહિના પહેલા 15.35 લાખ ટનનો હતો.આ સ્ટોકને ભારત માટે 27 દિવસનો સ્ટોક માનવામાં આવે છે . ભારતની ખાદ્યતેલની માસિક ખપત 19 લાખ ટનની છે. યાદ રહે કે ગત વર્ષે એટલે કે પહેલી સપ્ટેમ્બર-19 ના રોજ ભારતમાં 20. 42 લાખ ટનનો સ્ટોક હતો. 
સપ્ટેમ્બર-20 ના બીજા સપ્તાહમાં આવેલા આંકડા પ્રમાણે સ્થાનિક સ્તરે  ભારતમાં 121.19 લાખ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતા આઠેક ટકા જેટલો વધારો સૂચવે છે. વ્યવસાયિક વર્તુળોના અંદાજ પ્રમાણે ભારતમાં સોયાબીનનું ઉત્પાદન 104 લાખ ટન જેટલું થઇ શકે છે. છેલ્લા થોડા સમય ગાળામાં ભારતમાં સોયાતેલ તથા ક્રુડ પામતેલની આયાત ઘટી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer