ભારત કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર : રાજનાથ સિંઘ

ભારત કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર : રાજનાથ સિંઘ
જમીન દબાવવાની ચીનની ચાલબાજી ચલાવી નહીં લેવાય
નવી દિલ્હી, તા. 15 સપ્ટે.
ચીને મે અને જૂનમાં અંકુશરેખા પર વાસ્તવિક સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો જેનો ભારતે ઉચિત જવાબ આપ્યો હતો એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે આજે સંસદમાં જણાવ્યું હતું. `આપણે ચીનને કહી દીધું છે કે આવી હરકતો અમને સ્વીકાર્ય નથી, ભારત શાંતિ ઇચ્છે છે પણ તમામ પરિસ્થિતિઓ માટે સજ્જ છે' એમ તેમણે ઉમેર્યુ હતુ.
વિવિધ સ્તરે યોજાયેલી મંત્રાણાઓમાં ભારતે ત્રણ સિદ્ધાંતોના અમલ માટે આગ્રહ રાખ્યો હતો. બંને દેશોએ અંકુશરેખાનો આદર કરવો, કોઈ દેશે એકપક્ષી રીતે ભૂમિગત પરિસ્થિતિ બદલવાનો પ્રયાસના કરવો અને અત્યાર સુધીમાં થયેલા તમામ કરારો અને સંધિઓનું કડક પણે પાલન કરવું.
ચીન કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના 38000 ચો. કિ.મી. વિસ્તાર પર ગેરકાયદે કબજો જમાવીને બેઠું છે. તે ઉપરાંત ચીન અને પાકિસ્તાન વચ્ચેના કહેવાતા ``સીમા કરાર'' હેઠળ 1963માં પાકિસ્તાને તેના કબજા હેઠળના કાશ્મીરમાંથી 5180 ચો. કિ.મી.નો ભારતીય વિસ્તાર ગેરકાનૂની રીતે ચીનને હવાલે કરી દીધો હતો. તે ઉપરાંત પૂર્વીય ક્ષેત્રમાં અરુણાચલ પ્રદેશની સરહદે 90,000 ચો. કિ.મી. પર તેનો દાવો છે એમ સંરક્ષણ પ્રધાને સંસદમાં જણાવ્યું હતું.
અલીબાબા ડેટા ચોર ?
ચીનની બહુરાષ્ટ્રીય કંપની અલીબાબા ડેટા ચોરીમાં સંડોવાયેલી હોવાની માહિતી ગુપ્તચર સંસ્થાઓને મળી છે. ચીનનાં ડેટા ક્લાઉડ સર્વરો ભારતીય ગ્રાહકોની માહિતી ચીની સરકારને પૂરી પાડે છે અને અલીબાબાની ભારતમાંની સાધનસામગ્રીનો તે માટે ઉપયોગ કરાતો હોય તેમ જણાય છે.
એક ચેનલને ગુપ્તચર સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે `તમામ સંવેદનશીલ તથા આનુષાંગિક સ્વરૂપના' ડેટા ચીનમાં આવેલા દૂરનાં સર્વરોમાં મોકલવામાં આવે છે. ચીનની કંપનીઓ ભારતીય કંપનીઓ, સંસ્થાઓ અને ગ્રાહકોને અત્યંત નીચી કિંમતે ડેટા સર્વરો પૂરાં પાડે છે અને એ કારણથી ભારતીય ઉદ્યોજકો અને ધંધાર્થીઓમાં તે બહુ લોકપ્રિય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer