મગફળીની ખરીદી માટે પુરવઠા નિગમ સજ્જ

150 કેન્દ્રો ઉપરથી ખરીદી 21 ઓક્ટોબરે શરૂ થશે? પહેલી તારીખથી નોંધણીનો આરંભ
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 29 સપ્ટે. 
ગુજરાતમાં મબલક પાકેલી મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર સજ્જ થઇ ગઇ છે. નાફેડે ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમને કામગીરી સોંપી છે. ચાલુ વર્ષે સરકારી અંદાજ પ્રમાણે ગુજરાતમાં 55 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. જેમાંથી 25 ટકા એટલે 13 લાખ ટનની નિગમ દ્વારા રૂ. 5,275ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે શણના કોથળા ખરીદવાની અને કેન્દ્રો ફાળવવાની કામગીરી પૂરજોશમાં 
ચાલી રહી છે. હવે ગોદામોની ફાળવણી પણ થવા લાગી છે.  
નિગમના સૂત્રોએ જણાવ્યું હતુ કે અમને ખરીદીને માટે 90 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. 13 લાખ ટનની મહત્તમ મર્યાદા છે, જેમાં અમે મહત્તમ ટાર્ગેટ હાંસલ થાય તેવા પ્રયત્નો કરીશું. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર એમએસપીમાં 25 ટકા જથ્થો જ સરકારી એજન્સી દ્વારા ખરીદવાનો હોય છે. આના માટે આશરે 3 કરોડ જેટલા બારદાનની જરૂરિયાત રહેશે, જેના માટે અમે દોઢ કરોડનું ઇન્ડેન્ટ નાફેડને આપ્યુ છે તે અમને પૂરા પાડશે, જ્યારે સવા કરોડ બારદાન ભારત સરકારના જેમ (ઋયળ) પોર્ટલ પર ટેન્ડર મંગાવીને ખરીદી કરાશે. 
મગફળીની ખરીદી સમગ્ર ગુજરાતમાં એપીએમસી મારફતે થશે. જેના માટે કૃષિ વિભાગ દ્વારા 150 કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે. મગફળી લઇને આવતા ખેડૂતોની નોંધણી 1થી 20 ઓક્ટોબર સુધી જારી રહેશે. એ પછી 21મીથી ટેકાના ભાવ ચૂકવીને ખરીદીનો આરંભ કરાશે. દરેક ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર એન્ટપ્રિન્યોર (વીસીઇ) દ્વારા ખેડૂતોની નોંધણી કરવામાં આવશે તેના માટે અમે આશરે 3,000 ગામોને આવરી લઇશું. આમ 3,000 ગ્રામ પંચાયતોમાં નોંધણી કરાશે. આ ખરીદી 90 દિવસ એટલે કે 18 જાન્યુઆરી સુધી ચાલશે. 
મગફળીની ખરીદી કર્યા બાદગોડાઉનની વ્યવસ્થા ગુજરાત વેરહાઉસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આના માટે અમે વેરહાઉસિંગ કોર્પોરેશનને સૂચના આપી દીધી છે. તેઓ અમને ભાડે કે પોતાના ગોડાઉનો આપશે. તેઓ અમને આવા ગોડાઉનોની યાદી 21 ઓક્ટોબર પહેલા આપી દેશે. નિગમ દ્વારા 13 લાખ મગફળીની ખરીદી કરવાની છે ત્યારે આશરે 400થી 500 ગોડાઉનની જરૂરિયાત ઊભી થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer