વડોદરાના ઉદ્યોગો ફક્ત 40 ટકાની ક્ષમતાએ કાર્યરત

આવશ્યક ચીજો સિવાયના વેપારમાં સુસ્તી
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 29 સપ્ટે. 
લોકડાઉન પ્રથમ વખત લાદવામાં આવ્યું તેને છ માસ જેટલો સમય વીતી ગયો છે. હવે તો બધાં ક્ષેત્રો અને ઉદ્યોગો મોટેભાગે ખૂલી ગયા છે પરંતુ ઉદ્યોગોમાં હજુ સ્થિતિ સામાન્ય બની નથી. વડોદરા શહેર ઔદ્યોગિક શહેરની ઓળખ ધરાવે છે ત્યારે લોકડાઉનથી આ જિલ્લાને પણ ખાસ્સું નુક્સાન થયું છે. અત્યારે વડોદરાના ઉદ્યોગો ક્ષમતાથી ફક્ત 40 ટકા જેટલા જ ચાલી રહ્યા છે.  
વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા નિલેશ શુક્લા જણાવે છે કે વડોદરામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ધંધામાં 20-30 ટકાનો ઘટાડો થયો છે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના ઉત્પાદનોની માગ બહુ ઓછી છે એટલે ફટકો પડ્યો છે.  વડોદરા મૂળ એન્જીનિયરીંગ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનું કેન્દ્ર છે. જેમાં પણ કોરોના મહામારીને પગલે 35 ટકા રિસ્ટ્રક્ચરીંગ કરવાનો વખત આવ્યો છે. કોરોના મહામારી ને પગલે જે કંપનીઓ એક જ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી હતી તેમને માર્કેટમાં ટકી રહેવા મલ્ટી ટાસ્કિગ બનવાનો અર્થાત અન્ય ઉત્પાદનો તરફ વળવા નો વારો આવ્યો છે. 
વડોદરા આસપાસ ફેલાયેલા ફાર્માના એકમોને પણ સાત મહિનામાં 50 ટકા ફટકો પડ્યો છે. રિયલ એસ્ટેટમાં કોમર્શિયલ મિલકતોના બિઝનેસને 85 ટકા નુકસાન થયું છે. રેસિડેન્ટ મિલકતોમાં 70 ટકા નુકસાન હતું પરંતુ અનલોક બાદ હવે 50 ટકા અસર છે.  કોમર્શિયલમાં ઘણા પ્રોજેક્ટ વેચાયા વિના પડેલા છે. 
કેટ ના હાલના આંકડા પ્રમાણે 6 મહિનામાં ભારતમાં 19 લાખ કરોડનું નુકસાન ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોમાં થયું છે.ગુજરાતમાં 30 હજાર કરોડનો બિઝનેસ ઠપ્પ થયો છે. વડોદરામાં ઉદ્યોગ ધંધામાં 70 ટકાનો ઘટાડો સરેરાશ થયો છે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ પ્રોડક્ટ બનાવતી કંપનીઓનું ટર્ન ઓવર સામાન્ય થી વધ્યું છે. વડોદરાના ઔદ્યોગિક તજજ્ઞોનું માનીએ તો આગામી 2021 ના અંત સુધીમાં કદાચ ભારતીય ઉદ્યોગોના વિકાસનું એન્જીન પાટા પર આવી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer