સરસવ ખોળની નિકાસ અૉગસ્ટમાં 47 ટકા વધી

દ. કોરિયા, વિયેતનામ, થાઈલેન્ડ જેવા પરંપરાગત ખરીદારો ફરી સક્રિય બન્યા છે 
જયપુર, તા. 29 સપ્ટે. 
ભારતની સરસવ ખોળની નિકાસ અૉગસ્ટ, 2020માં 47 ટકા વધી છે. અલબત, માર્કાટિંગ વર્ષ 2019-20 (ઓક્ટોબર - સપ્ટેમ્બર)ના પ્રથમ 11 મહિના દરમિયાન આ નિકાસ પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 5.72 ટકા વધી છે. ઓક્ટોબર 2019થી ઓગસ્ટ 2020 દરમિયાન દેશમાંથી સરસવ ખોળની કુલ નિકાસ 10,09,149 ટન થઇ. જ્યારે, ઓક્ટોબર 2018થી ઓગસ્ટ 2019 દરમિયાન આ નિકાસ 9,54,521 ટન હતી. ઓગસ્ટ મહિનામાં દેશમાંથી સરસવ ખોળની નિકાસ 47 ટકા વધીને 66,136 ટનની તુલનામાં 97,471 ટને પહોંચી ગઇ. 
લોકડાઉન ખુલવાના કારણે સરસવ ખોળની નિકાસમાં સુધારો થયો છે જેના લીધે મે 2020માં તે 62 ટકા વધીને 60,433 ટનની તુલનામાં 97792 ટને પહોંચી ગઇ. જૂન 2020માં તે 60 ટકા વધીને 88,266 ટનની તુલનામાં 1,41,117 ટને પહોંચી ગઇ. આવી રીતે જુલાઇ 2020માં નિકાસ 1,77,291 ટને પહોંચી ગઇ જે જુલાઇ 2019માં 1,45,973 ટન હતી. એટલે કે નિકાસમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો. 
નિકાસકારોનું કહેવુ છે કે, કોરોના વાયરસના કહેરના લીધે પરંપરાગત ખરીદદારો સરસવ ખોળની ખરીદીથી દૂર હતા જે હવે ફરીથી બજારમાં પરત ફરી રહ્યા છે. ભારતીય સરસવ ખોળના મુખ્ય આયાતકાર દેશ દક્ષિણ કોરિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને કેટલાંક દક્ષિણપૂર્વના એશિયન દેશો છે. સરસવ ખોળનો ઉપયોગ પશુઓના આહારમાં થાય છે પરંતુ કોરોના વાયરસના લીધે પશુપાલકોની માંગમાં ઘટાડો થયો છે તેમજ સરસવ ખોળની નિકાસ ઘટી હતી. બીજી બાજુ દેશમાં સરસવના ભાવ ઉંચા હોવાથી તેની નિકાસ પ્રભાવિત થઇ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer