એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં કામકાજ બંધ કર્યું

નવી દિલ્હી, તા. 29 સપ્ટે.
માનવ અધિકારો માટે કામ કરનારી વિવાદાસ્પદ વિદેશી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં તેનું કામકાજ બંધ કર્યું છે અને સ્ટાફને રજા આપી છે.
કેન્દ્ર સરકારે તેનાં બધાં જ બૅન્ક ખાતાં થીજાવી દીધાં હોવાથી આવું પગલું ભરવું પડયું છે, એવું એમ્નેસ્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.  એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાનાં બધાં બૅન્ક ખાતાં થીજાવી દેવાયાં હોવાની જાણ અમને 10 સપ્ટેમ્બરે થઈ હતી. નાણાંના અભાવે અમારે સ્ટાફને છૂટો કરવો પડયો છે અને ઝુંબેશ તેમ જ સંશોધનનું કામકાજ અટકાવી દેવું પડયું છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઘણા વખતથી વિદેશી અનુદાન નિયમન ધારાના ભંગ બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને સીબીઆઈની નજરમાં હતી. તેના પર મની લોન્ડરિંગનો આરોપ છે.
2019ના અંત ભાગમાં સીબીઆઈએ એમ્નેસ્ટી ઇન્ડિયા અને તેના ત્રણ સહયોગીઓ પર રૂા. 36 કરોડના વિદેશી ભંડોળના મામલે કાયદાનો ભંગ કરવા બદલ કેસ નોંધ્યો હતો. ગૃહ મંત્રાલયની ફરિયાદના આધારે કેસ નોંધાયો હતો. એમ્નેસ્ટીની દિલ્હી અને બેંગલોર ખાતેની અૉફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ અગાઉ 2009માં યુપીએ સરકારે વિદેશી દાતાઓ પાસેથી નાણાં મેળવવાના લાઇસન્સ માટેની એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની અરજી નકારી કાઢી ત્યારે પણ તેણે ભારતમાં કામકાજ અટકાવી દીધું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer