કેઇર્ન એનર્જીએ ભારત પાસેથી $ 1.4 અબજનું વળતર માગ્યું

વોડાફોનના ચુકાદાને પગલે
નવી દિલ્હી, તા. 29 સપ્ટે.
બ્રિટનની તેલ સંશોધન કંપનીએ ભારત સરકાર પાસેથી 1.4 અબજ ડૉલરનું વળતર માગ્યું છે. પાછલી મુદ્દતથી કાયદો સુધારીને માગવામાં આવેલો ઇન્કમ ટૅક્સ વસૂલ કરવા માટે સરકારે તેના રોકાણો આંચકી લેવાથી આટલું નુકસાન થયું હોવાનો કંપનીનો દાવો છે.કેઇર્ન એનર્જી પાસેથી કરવેરા પેટે રૂા. 10247 કરોડની ભારત સરકારની માગણી સામે કેઇર્ન એનર્જીએ હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય લવાદી ટ્રિબ્યુનલમાં કરેલી ફરિયાદનો ચુકાદો ટૂંક સમયમાં આવવાની ધારણા છે, એમ કંપનીએ તેના અર્ધવાર્ષિક પરિણામોના નિવેદનમાં જણાવ્યું છે.
`િબ્રટન-ભારત રોકાણ સંધિ અન્વયે કેઇર્નની ફરિયાદ વિશે પ્રથમ પુરાવા વિષયક સુનાવણી અૉગસ્ટ 2018માં થઈ હતી જ્યારે અંતિમ સુનાવણી ડિસેમ્બર 2018માં થઈ હતી. હવે તમામ સત્તાવાર સુનાવણીઓ અને રજૂઆતો થઈ ચૂકી છે અને ટ્રિબ્યુનલ પોતાનો ચુકાદો તૈયાર કરી રહી છે' એમ કંપનીએ જણાવ્યું છે.
કંપનીએ કહ્યું છે કે ભારતમાં તેની અસ્કયામતોને જપ્ત કરવામાં આવી, તેની પાસેથી પાછલી તારીખથી ટૅક્સ વસૂલ કરવા માટે પ્રયાસ કરાયા અને કંપની સાથે ન્યાયી વર્તાવ ન કરાયો તે બદલ તેણે ભારત સરકાર પાસેથી 1.4 અબજ ડૉલરનું વળતર માગ્યું છે.
ભારતનું સૌથી મોટું તેલક્ષેત્ર શોધનાર કેઇર્નને 2006માં કરાયેલી કૉર્પોરેટ પુનર્રચના બદલ 2014ના જાન્યુઆરીમાં ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ તરફથી રૂા. 10247 કરોડનો ટૅક્સ ભરવાની નોટિસ મળી હતી. સાથોસાથ ડિપાર્ટમેન્ટે તેની અગાઉની સબસિડિયરી કેઇર્ન ઇન્ડિયામાં કેઇર્ન એનર્જીના 10 ટકા શૅરહોલ્ડિંગને ટાંચ મારી હતી. શૅરોને ટાંચ મારવા ઉપરાંત ટૅક્સ ડિપાર્ટમેન્ટે તેનું રૂા. 1140 કરોડનું ડિવિડન્ડ પણ જપ્ત કર્યું હતું અને રૂા. 1590 કરોડનું ટૅક્સ રિફન્ડ ટૅક્સની માગણી સામે સરભર કરી લીધું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer