હવાઇ મુસાફરીના ભાડાં વધારવાની છૂટ મળે તો જ એરલાઇન્સની આવક વધશે

હવાઇ મુસાફરીના ભાડાં વધારવાની છૂટ મળે તો જ એરલાઇન્સની આવક વધશે
અનિલ પાઠક 
અમદાવાદ, તા. 29 સપ્ટે. 
રાજ્યના સૌથી મોટા  અમદાવાદ એરપોર્ટની રોજની 100થી વધુ ફલાઇટ દેશ અને દુનિયામાં ઉડાન ભરતી હતી ત્યારે અંદાજે એર ઇન્ડિયા અને અન્ય બીજી એરલાઇન્સ ઇન્ડિગો, સ્પાઇસ જેટ, વિસ્તારા, ગો-એર વગેરેની માસિક આવક જે 1 કરોડને આંબી જતી હતી. લોકડાઉનના પાંચ મહિનામાં ખૂબ ઘટી ગઇ હતી પરંતુ હવે અનલોક-4 સુધી પુન: 25થી 40 લાખ થઇ ગઇ છે પરંતુ હજુ મુંબઇ જેવા મોટા શહેરોમાં સંક્રમણ ચાલુ રહેતા ફલાઇટ ફ્રીકવન્સી હજુ વધી નથી. 
આમ હવાઇ મુસાફરીના ક્ષેત્રે દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતને પણ અસર થઇ હતી પરંતુ જેવી આંતરરાજ્ય વિમાની સેવાઓ શરૂ થતાં આવક ઝડપથી વધી રહી છે. પરંતુ હજુ કેન્દ્રના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા હવાઇ મુસાફરીના ભાડા 5,000 સુધી ફિકસ કરેલા છે અને જ્યાં સુધી એરલાઇન્સને પુન: ભાડા વધારવાની છૂટછાટ નહીં અપાય ત્યાં સુધી આવક ઘટેલી રહેશે. 
એરપોર્ટ ખાતેની એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર પુન: આ દિશામાં વિચારણા કરી એર-ફેર અગાઉ હતાં તે પ્રમાણે મંજૂરી આપશે. ત્યારે પુન: આવક લોકડાઉન પહેલાની એટલે કે ફેબ્રુઆરી-માર્ચ જેટલી થઇ જશે. 
નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારોમાં એર-ફેર વધારવાની મંજૂરી મળે એવી પ્રબળ શક્યતા છે અને તેમ થતાં અમદાવાદ-મુંબઇ, અમદાવાદ- દિલ્હી વગેરેની ફલાઇટસના એર ફેર લગભગ હાલ કરતાં ડબલ થઇ જશે. 
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદથી વંદે ભારત યોજના હેઠળ વિદેશોમાં લોકડાઉનથી ફસાયેલા ભારતીય પ્રવાસીઓને દેશમાં પાછા લાવવા અને અત્રે રોકાઇ ગયેલા એનઆરઆઇ પ્રવાસીઓ માટે ઇન્ટરનેશનલ ફલાઇટસ ખાસ કરીને લંડન અને અમેરિકા માટે શરૂ થઇ છે પરંતુ હજુ પણ રેગ્યુલર આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવામાં આવી નથી અને તેના લીધે પણ જુદી જુદી રીતે થતી આવક ઘટેલી છે. 
અનલોક-5 1લી ઓકટોબરથી શરૂ થશે. તે દરમિયાન આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરાશે એવું ટુરિઝમ અને ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું માનવું છે.ફલાઇટસ બંધ કરાતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં સ્ટાફનો પગાર ઘટાડવાની મેનેજમેન્ટને ફરજ પડી હતી જ્યારે નાના કર્મચારીઓની છટણી પણ કરાઇ છે હવે જો પરિસ્થિતિ સામાન્ય થાય તો જ બધાને ફાયદો થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer