પેટ્રોલિયમ ડિલર્સે આંદોલન પડતું મૂક્યું

પેટ્રોલિયમ ડિલર્સે આંદોલન પડતું મૂક્યું
ગેરકાયદે બાયો ડિઝલનું વેચાણ અટકાવવા સરકારી કાર્યવાહીના આદેશથી ધરપત
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 29 સપ્ટે. 
ડુપ્લિકેટ બાયોડિઝલ કે બેઝ ઓઇલના ગેરકાયદે વેચાણને અટકાવવા માટે સરકારે પગલાં ભરવાનો આરંભ કરતા ગુજરાતના પેટ્રોલિયમ ડિલરોએ મંગળવારનું નો પર્ચેઝનું આંદોલન પાછું ખેંચી લીધું હતુ. આમ પેટ્રોલ-ડિઝલના જથ્થાની ખરીદી પણ કરી હતી. અગાઉ ગયા અઠવાડિયામાં ડિલરોએ એવી જાહેરાત કરી હતી કે મંગળવારે પેટ્રોલ અને ડિઝલનો જથ્થો ન ખરીદીને વિરોધ કરશે. જોકે આજે બધાએ ખરીદી કરી હતી. સરકાર મંગળવારના એલાન પછી પણ કોઇ પગલા ન ભરે તો અઠવાડિયામાં બે દિવસ પેટ્રોલ પંપો દ્વારા ખરીદી થવાની ન હતી.  
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસીએશનના પ્રમુખ અરાવિંદ ઠક્કરે કહ્યું હતુ કે, આખા રાજ્યમાં આ પ્રકારના ઇંધણનું બેફામ વેચાણ થતું હતુ. લાંબા સમયથી આંદોલન ચાલુ રહેતા ડિઝલના વેચાણને સખત ફટકો પડ્યો હતો. સરકારને પણ ટેક્સની આવક ગૂમાવવી પડતી હતી. આમ વેચાણને અટકાવવા માટે અમારે નાછૂટકે આંદોલન જાહેર કરવું પડ્યું હતુ. જોકે સરકારે અમારા પ્રશ્ને ગંભીરતા દર્શાવી છે. 
તેમણે કહ્યું કે, ડિપ્લિકેટ બાયોડિઝલનું વેચાણ અટકાવવા માટે 25 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં સિવિલ સપ્લાયની ઓફિસમાં મહત્વની બેઠક થઇ હતી. એ પછી સોમવારે પણ મુખ્યમંત્રી વિજય રુપાણીએ મહત્વની બેઠક યોજી હતી. એમાં ગૃહ પ્રધાન પ્રદિપાસિંહ જાડેજા અને સિવિલ સપ્લાય વિભાગના ધર્મેન્દ્રાસિંહ જાડેજા સહિત વિવિધ ખાતાના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તમામ સ્તરે સૂચનાઓ આપીને ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ તાત્કાલિક અટકાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લાને પણ આ મુદ્દે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. હવે ગેરકાયદે વેચાણ બંધ થઇ જશે તેવી અપેક્ષા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer