ઘઉંનો વૈશ્વિક પાક વધીને 76.30 કરોડ ટન થવાનો અંદાજ

ઘઉંનો વૈશ્વિક પાક વધીને 76.30 કરોડ ટન થવાનો અંદાજ
સ્થાનિક સ્તરે ટેકાના ભાવમાં 2.6 ટકાનો વધારો દાયકામાં સૌથી ઓછો 
કલ્પેશ શેઠ 
મુંબઈ, તા. 29 સપ્ટે. 
ઇન્ટરનેશનલ ગ્રેઇન કાઉન્સિલ (આઇ. જી. સી)એ વરતારો આપ્યો છે કે 2020-21ના માર્કાટિંગ વર્ષમાં ઘઉંનો વૈશ્વિક પાક 2019-20 નાં માર્કાટિંગ વર્ષમાં થયેલા 76.2 કરોડ ટનના ઉત્પાદન કરતાં 10 લાખ ટન વધીને 76.3 કરોડ ટન આવવાની ધારણા છે. જ્યારે વપરાશ તથા કેરી ફોરવર્ડ સ્ટોક એક મહિના પહેલા મુકાયેલા અંદાજ જેટલો જ રહેવાનું અનુમાન છૈ. બીજીતરફ ભારત સરકારે હાલમાં જ જાહેર કરેલો ઘઉંના નવા ટેકાનાં ભાવનો વધારો છેલ્લા એક દાયકામાં જે તે વર્ષે થયેલા વધારામાં સૌથી ઓછો છે. આ વર્ષે કરાયેલો વધારો માંડ 2.6 ટકા જેટલો છે.   
કાઉન્સિલે રજૂ કરેલા અહેવાલ અનુસાર ઘઉંના ઉત્પાદનમાં વધારા છતાં ઘઉં તથા અન્ય જાડા ધાનનું કુલ વૈશ્વિક ઉત્પાદન આશરે 30 લાખ ટન ઘટવાની ધારણા સાથે કુલ 2227 મિલીયન ટન થવાની ધારણા મુકાઇ છે. અહેવાલમાં જણાવાયું છે કે મકાઇનાં ઉત્પાદનમાં થોડો ઘટાડો થશે પણ સામાપક્ષે જવનું ઉત્પાદન વધવાની સંભાવના છે. ખાસ કરીને અમેરિકા, ચીન તથા યુરોપનું કુલ મળીને મકાઇનું ઉત્પાદન ઘટવાનો અંદાજ મુકાયો છે. આર્જેન્ટિના તથા બ્રાઝિલમાં મકાઇનું ઉત્પાદસન વધવાની ધારણા છે. ગત મહિને ઘઉંના ઉત્પાદનનાં જે આંકડા અપાયા હતા તેમાં વધારો થવાનું કારણ રશિયા તથા ઓસ્ટ્રેલિયાએ પાક વધવાની ધારણા મુકી એ છૈ. આ સાથે ઘઉંના વૈશ્વિક વપરાશમાં અગાઉ કરેલી ધારણામાં પણ 20 લાખ ટનનો ઘટાડો સુચવવામાં આવ્યો છૈ. 
સ્થાનિક સ્તરે કેન્દ્ર  સરકારે હાલમાં જ ખેડૂતો માટે આગામી સિઝનનાં ટેકાના ભાવ જાહેર કર્યા છે. પરંતુ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આંકડાનો ઇતિહાસ સાબિત કરે છે કે આ વખતે કરાયેલો ટેકાના ભાવનો વધારો છેલ્લા એક દાયકામાં જાહેર કરાયેલા વધારામાં સૌથી ઓછો દેખાય છે. સરકારે આ વખતે ટેકાના ભાવમાં ક્વિન્ટલ દિઠ 50 રૂપિયાનો વધારો જાહેર કરીને 1925 રૂપિયાથી વધારીને 1975 રૂપિયા કર્યા છે. વર્ષ 2010-11 માં ટેકાના ભાવ 1100 રૂપિયા હતા જે 2011-12 માં 70 રૂપિયા વધારીને 1170 રૂપિયા કરાયા હતા. આજ રીતે દર વર્ષે 3.7 ટકાથી માંડીને 9.8 ટકા સુધીનો વધારો કરાયો છે. પરંતુ આ વર્ષે કરાયેલો વધારો માંડ 2.6 ટકા જેટલો છે.   
એફ.સી.આઇ.ના ફૂડ તથા ગ્રેઇન સ્ટોકના આંકડા પ્રમાણે સેન્ટ્રલ પુલમાં ઘઉંનો સ્ટોક પહેલી સપ્ટેમ્બર-20 ના રોજ 478.32 લાખ ટનનો છે. આમ ઓગસ્ટ-20ના પ્રારંભે જે સ્ટોક હતો તેમાં 7. 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ગત વર્ષે આજ સમયગાળામાં રહેલા સ્ટોક કરતાં આ વખતે 13.25 ટકા જેટલો વધારે હોવાનુ માલુમ પડે છે. ભારતે ઓગસ્ટ-20 માં આશરે 64560 ટન ઘઉંની નિકાસ કરી છે. આ નિકાસ ખાસ કરીને નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કંબોડિયા તથા જોર્ડન જેવા દેશોમાં થઇ હોવાનું જાણવા મળે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer