કૃષિ સુધારાના વિરોધીઓ પર વડા પ્રધાનના આકરાં પ્રહારો

કૃષિ સુધારાના વિરોધીઓ પર વડા પ્રધાનના આકરાં પ્રહારો
ટ્રેક્ટરને આગ ચાંપવી એ ખેડૂતોનું અપમાન
તેઓ નથી ખેડૂતની સાથે, નથી યુવાનો સાથે કે નથી સૈનિકોની સાથે
બ્લેક મનીના રસ્તા બંધ થઈ ગયા હોવાથી તેઓ બેબાકળા બન્યા છે
નવી દિલ્હી, તા. 29 સપ્ટે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ સુધારાનો વિરોધ કરી રહેલા પક્ષો અને સંગઠનોની આકરી ટીકા કરી હતી. `કેટલાક લોકો નથી ઇચ્છતા કે ખેડૂત પોતાની ફસલ ખુલ્લા બજારમાં વેચે. ખેડૂતો જે સાધનો અને સરસામાનને પૂજે છે તેને આગ ચાંપીને એ લોકોએ ખેડૂતોનું અપમાન કર્યું છે, એમ વડા પ્રધાને કહ્યું હતું. `આ લોકો નથી ખેડૂતની સાથે, નથી યુવાનો સાથે, નથી સૈનિકો સાથે' એમ તેમણે ઉમેર્યું હતું.
`આજે સરકાર ખેડૂતોને તેમના હક્કો આપી રહી છે ત્યારે એ લોકો વિરોધ કરવા મેદાનમાં ઉતર્યા છે. તે લોકો ઇચ્છે છે કે દેશના કિસાનો તેમની ફસલ ખુલ્લા બજારમાં ન વેચી શકે. એ લોકો હવે જે સાધનોની અને સરસામાનને ખેડૂતો પૂજે છે તેને આગ ચાંપીને ખેડૂતોનું અપમાન કરે છે,' એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
સોમવારે સવારે પંજાબ યુથ કૉંગ્રેસના કેટલાક કાર્યકરોએ કૃષિ સુધારાના વિરોધમાં દિલ્હીના રાજપથ પર એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી.
વિરોધપક્ષો પર જોરદાર હલ્લો કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે જ્યારે અમે જનધન ખાતાંની ઝુંબેશ ચાલુ કરી, ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપ્યું, જીએસટી દાખલ કર્યો, ફોજીઓને વનરેન્ક, વન પેન્શનનો લાભ આપ્યો, ગરીબોને 10 ટકા અનામત આપી, વિશ્વ યોગ દિવસનું આયોજન કર્યું, રફાલ વિમાનો ખરીદ્યાં, સ્ટેચ્યૂ અૉફ યુનિટીનું અનાવરણ કર્યું અને શ્રીરામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે દરેક પ્રસંગે આ લોકોએ તેનો વિરોધ કર્યો છે. દેશમાં જે કંઈ બને તેનો વિરોધ કરવાની તેમને ટેવ પડી ગઈ છે. તેમનું રાજકારણ માત્ર વિરોધ કરવામાં જ સમાઈ જાય છે.
ઉત્તરાખંડમાં નમામિ ગંગે મિશન સાથે સંકળાયેલા છ પ્રોજેક્ટોનો પ્રારંભ કરતાં વડા પ્રધાને કહ્યું કે વિરોધપક્ષો ટેકાના ભાવ (એમએસપી) વિશે ગૂંચવાડો ફેલાવી રહ્યા છે. દેશમાં એમએસપી વ્યવસ્થા ચાલુ રહેશે. તે ઉપરાંત ખેડૂતને પોતાનો માલ દેશમાં ગમે ત્યાં વેચવાની છૂટ પણ રહેશે. પરંતુ કેટલાક લોકો ખેડૂતની આઝાદીને સાંખી શકતા નથી. તેમની કાળી કમાણીના રસ્તા બંધ થઈ ગયા હોવાથી તેઓ બેબાકળા બની ગયા છે.
ગંગા શુદ્ધિકરણ ઝુંબેશ વિશે વડા પ્રધાને કહ્યું કે ગંગાને શુદ્ધ કરવા માટે દાયકાઓથી મોટા કાર્યક્રમો હાથ ધરાયા છે. પરંતુ લોકોની ભાગીદારી અને દીર્ઘદૃષ્ટિના અભાવે તે નિષ્ફળ ગયા.
`જો અમે જૂની રીતરસમો ચાલુ રાખી હોત તો પરિસ્થિતિ અત્યારે પણ એટલી જ ખરાબ હોત. પરંતુ અમે નવો વિચાર અને નવો અભિગમ લઈને આગળ વધ્યા. અમે નમામિ ગંગે મિશનને માત્ર ગંગા નદી પૂરતું સીમિત ન રાખતાં દેશભરની નદીઓના સંરક્ષણ અને સંવર્ધનનો વિરાટ કાર્યક્રમ બનાવી દીધું છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
પાકિસ્તાન સામેની સર્જિકલ સ્ટ્રાઇકમાં જવાનોએ જ પાકિસ્તાનમાં જઈને આતંકવાદી ખાતમો બોલાવ્યો હતો ત્યારે આ લોકોએ પુરાવા માગ્યા હતા. `સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કરીને તેમણે દેશવાસીઓ સમક્ષ પોતાના ઇરાદા ખુલ્લા કરી દીધા હતા, એમ મોદીએ કહ્યું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer