પાક નુકસાની સામે સહાય મેળવવામાં ખેડૂતો નિક્રીય

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 16 અૉક્ટો. 
ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને  ઘણી નુક્સાની ગઇ છે. રાજ્ય સરકારે  અતિવૃષ્ટિ સહાય પેકેજ પણ બહાર પાડ્યું છે. ખેડૂતો પાસેથી અરજી મંગાવી હતી. પરંતુ ખેડૂતોની સંખ્યાની સામે ઘણી ઓછી અરજીઓ આવી છે. સરકારમાં નુકસાની માટે અરજી કરવા 30 ઓક્ટોબર છેલ્લો દિવસ છે ત્યારે હાલની અરજીઓને સંખ્યાને જોતા અરજીની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.  
સૂત્રોએ જણાવ્યા અનુસાર 20 જિલ્લાઓમાં પાક નુકશાની થઇ હોવાથી  `મુખ્યમંત્રી કૃષિ સહાય પેકેજ યોજના'  હેઠળ આર્થિક નુકશાની વળતર મેળવવા માટે ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્યમાંથી આશરે દશ લાખ ખેડૂતોએ અરજી કરી છે. કુલ 32 લાખ ખેડૂતોની સંખ્યાને જોતા આવેલી અરજીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાનું મનાય રહ્યું છે. સહાય મેળવવામાં ખેડૂતો હાલના તબક્કે નિરસ હોવાનું દેખાઇ રહ્યું છે.  
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં અમરેલી જિલ્લામાંથી સૌથી વધુ 1,21,969 અરજીઓ કૃષિ સહાય માટેની આવી  છે. બીજા ક્રમે રાજકોટમાંથી 1,10,243 અરજી મળી છે. કચ્છમાંથી પણ 1 લાખથી વધુ અરજીઓ આવી ચૂકી છે. જ્યારે સૌથી ઓછી અરજી નવસારી જિલ્લામાંથી ફક્ત 427 અરજીઓ જ આવી છે. ચાલુ વર્ષે રાજ્યમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેમ ખરીફ વાવેતર કુલ વાવેતર વિસ્તારના 102.76 ટકા થવા પામ્યું હતું. રાજ્યમાં 87,24,231 હેક્ટરમાં ખરીફ વાવેતર થયું હતું. જેમાં 20 જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થતા ખરીફ પાકને પારાવાર નુકશાન થયુ હતુ.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer