મસ્કતી માર્કેટના વેપારીઓ સાથે છેતરપિંડી અટકાવવા સિટની રચના

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 16 અૉક્ટો. 
ઘણા સમયથી કાપડ વ્યવસાયને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વેપારીઓ છેતરપિંડીઓનો ભોગ પણ બન્યા છે તે સંજોગોમાં મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા પોલીસને જાણ કરતા વેપારીઓ સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સિટ)ની રચના કરવામાં આવી છે. સિટની કામગીરી સેકટર-2 અધિક પોલીસ કમિશનરની દેખરેખમાં રહેશે. આ ટીમ મસ્કતી કાપડ મહાજનની લવાદ કમિટી સાથે સંકલનમાં રહી કામગીરી કરશે.  
આ અંગે વધુ વિગતો આપતા મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે આ અંગે અમે રાજ્યના ગૃહ પ્રધાન, રાજ્યના ડીજીપીની મુલાકાત લીધી હતી અને અમારી મુશ્કેલીઓની જાણ કરી હતી. તેના ફળસ્વરૂપે સિટની રચના કરવામાં આવી છે. આમ હવે ન્યૂ ક્લોથ માર્કેટ, સફલ માર્કેટ 1-2-3 તથા ઘંટાકર્ણ માર્કેટ, ડી.સી. ક્લોથ માર્કેટ, હીરાભાઇ માર્કેટ, નૂતન ક્લોથ માર્કેટ, મહાવીર માર્કેટ, સીટી સેન્ટર-2ના કોઇ પણ વેપારી સાથે છેતરપિંડી થયેલ હોય કે ફરિયાદ દાખલ થયેલ હોય અને પોલીસ વિભાગ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળેલ હોય તો તાત્કાલિક જે તે માર્કેટના સેક્રેટરીની સહી સાથે મસ્કતી મહાજન કાર્યાલયમાં સંપર્ક સાધવા માટે જણાવવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer