લોખંડ કલર કોટેડ શીટ્સના ભાવ પ્રતિ ટન રૂા. 63,000ની ઐતિહાસિક ઊંચાઈએ

અમારા પ્રતિનિધિ દ્વારા  
મુંબઈ, તા. 16 ઓંક્ટો.  
લોખંડની કેટલીક પ્રોડક્ટના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા છે, જયારે બીજી અનેક પ્રોડક્ટના ભાવમાં આશ્ચર્યજનક ઘટાડો જોવાયો છે. આયાત પર કડક નિયંત્રણ અને અગ્રણી સ્ટીલ કંપનીઓ દ્વારા કુલ ઉત્પાદનના 50 ટકા જેટલી નિકાસને લીધે સ્થાનિક બજારોમાં લોખંડના ભાવમાં મોટો તફાવત જોવાયો હતો. લોકડાઉન પછી હજુ રિયલ એસ્ટેટમાં મંદી સાથે વાહન અને મૅન્યુફેક્ચારિંગ ક્ષેત્રે ફ્લેટ પ્રોડક્ટની માગ સુધારે રહી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ફ્લેટ પ્રોડક્ટ (પતરા)ના ભાવ તેજીમાં છે. તેથી સ્થાનિક બજારમાં સ્વદેશી બનાવટના કલર કોટેડ શીટ્સનો ભાવ દેશના લોખંડ ઉત્પાદનના ઇતિહાસમાં સૌથી ઉંચા સ્તરે ટન દીઠ રૂા. 62,000થી રૂા. 63,000 ક્વૉટ થવાથી બજારોમાં તેની ચર્ચા જોરમાં છે. બીજી તરફ સીઆર શીટ્સનો ભાવ રૂા. 50,000 અને એચઆર કોઇલનો ભાવ રૂા. 53,000 થવાથી સ્ટોકિસ્ટોમાં કચવાટ પેદા થયો છે. સામાન્ય રીતે સીઆર શીટ્સ રૂા. 3,000થી રૂા. 4,000 મોંઘી હોવી જોઈએ.  
સ્થાનિક બજાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે કલર કોટેડ શીટ્સના મોટા પાયે થતી આયાત લગભગ સ્થગિત થઈ ચૂકી છે. બીજી તરફ સ્થાનિક ઉદ્યોગમાં તેની માગ સુધરવાથી હાજર માલ ધરાવનાર ઉત્પાદક-સ્ટોકિસ્ટ-વિતરકોએ તેનો ભાવ ટોચે પહોંચાડયો છે. તેની સામે સીઆર શીટની માગ સતત ઠંડી રહેવાથી આ પ્રોડક્ટના ભાવમાં મોટો ઉછાળો નથી, જ્યારે મેન્યુફેક્ચારિંગમાં મોટા પાયે વપરાતી એચઆર કોઇલ્સ થોડી ઉંચા ભાવે ટકેલ છે. જો કે માળખાકીય લોખંડ આઇટમોના ભાવ સ્થિર રહ્યા છે.  
દિવાળી સામે હોવાથી અને લોકડાઉન વધતા હવે રિનોવેશન અને ફર્નિચરનાં કામકાજ શરૂ થવાથી કલર કોટેડ શીટ્સની હાજર માગ વધી છે. એટલે હાજર માલનો મોં માગ્યો ભાવ વસૂલવામાં આવતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સામે પક્ષે મેન્યુફેક્ચારિંગમાં ઢીલાશ હોવાથી અન્ય ફલેટ પ્રોડક્ટ કંપની ભાવે મળે છે. બજારની સ્થિતિ અંગે બીમાના ભૂતપૂર્વ પ્રમુખ અનિશ વળીયાએ જણાવ્યું હતું કે મુખ્ય ઉત્પાદકોએ હવે ઇજારાશાહી વડે લોખંડના ભાવ ઊંચા રાખવા સ્થાનિક પુરવઠો નિયંત્રિત કર્યો છે. પરિણામે અનેક પ્રોડક્ટ્સના ભાવમાં અફરાતફરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer