મરીની બેરોકટોક આયાત રોકવા વડા પ્રધાનને અપીલ

``લઘુતમ આયાત ભાવના પ્રોત્સાહનનો ગેરલાભ ઉઠાવાય છે'' 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 અૉક્ટો. 
ઇન્ડિયન પેપર ઍન્ડ સ્પાઈસ ટ્રેડર્સ, ગ્રોઅર્સ, પ્લાન્ટર્સ કન્સોર્ટિયમના કેરળ ચેપ્ટરના કો-ઓર્ડિનેટર કિશોર શામજીએ છેલ્લા કેટલાયે મહિનાઓથી કાળા મરીની ગેરકાયદેસર આયાત અને આયાત પ્રોત્સાહનોના ગેરલાભ સામે છેડેલા અભિયાનની સરકારના સંબંધિત વિભાગોમાં અવારનવારની રજૂઆતો બાદ હવે વડા પ્રધાનને પત્ર લખીને સીધી જાણ કરી છે. 
કિશોર શામજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર, 2020 દરમ્યાન શ્રીલંકાથી સાફ્ટા હેઠળ આઠ ટકા આયાત ડ્યૂટી ચૂકવીને તેમ જ આઈએસએફટીએ હેઠળ 2019માં ઈસ્યૂ કરાયેલા જૂના પરવાના ઉપર આઈએસએફટીએ હેઠળ વિના ડ્યૂટીએ કિલોગ્રામ દીઠ રૂા. 500ના લઘુતમ આયાત ભાવે 2343 ટન કાળાં મરી આયાત કરવામાં આવી રહ્યાં છે. 
શ્રીલંકામાં કાળાં મરીના ભાવ ટન દીઠ 3000-3500 અમેરિકન ડૉલર બોલાઈ રહ્યા છે, ત્યારે સાફ્ટા હેઠળ પ્રતિ કિલો રૂા. 500 એટલે કે 7000 અમેરિકન ડૉલર પ્રતિ ટનનો ભાવ ચૂકવીને મરીની આયાત કરવામાં આવી રહી છે. આ રૂા. 500 પ્રતિ કિલોનો લઘુતમ આયાત ભાવ સ્પાઈસીઝ બોર્ડની ભલામણ મુજબ ડીજીએફટી દ્વારા લાદવામાં આવ્યો છે. 
આ આયાત આપણા ઈન્વોઇસ ઉપર 3500થી 4000 અમેરિકન ડૉલર પ્રતિ ટન નોંધાય છે, જેનાથી વિદેશી હૂંડિયામણ બહાર જાય છે, એટલું જ નહીં પરંતુ ભારતમાં મરીના ખેડૂતોના હિતને પણ ફટકો પડે છે. આ આયાતકારો શ્રીલંકાથી રૂા. 500 પ્રતિ કિલો વત્તા આઠ ટકા સાફ્ટા હેઠળની ડ્યૂટી ચૂકવીને અથવા રૂા. 300થી રૂા. 325 પ્રતિ કિલો અને આઈએસએફટીએ હેઠળ કોઈ ડ્યૂટી ચૂકવ્યા વિના આયાત કરેલા મરી ઘરઆંગણાના બજારમાં વેચી રહ્યા છે. આવું કેવી રીતે થઈ રહ્યું છે તે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કોઈને સમજાતું નથી. 
કિશોર શામજીએ ઉમેર્યું છે કે ડાયરેક્ટર જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા લઘુતમ આયાત ભાવ દાખલ કરીને દ્વિપક્ષીય સમજૂતીઓ હેઠળની આયાત અટકાવવા અને સ્પાઈસી બોર્ડની દેશના મરીના ખેડૂતોનાં હિત જાળવવાની ભલામણો મુજબ આયાત અટકાવવા લેવાયેલાં પગલાંનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમ જ આ પ્રકારની આયાત દ્વારા ઈન્વોઇસનાં ઉપરનાં નાણાં મની લોન્ડારિંગ કે હવાલા ટ્રાન્ઝેક્શન માટે સરભર કરાતાં હોવાની આશંકા છે.  બિલ ઓફ એન્ટ્રીમાં લઘુતમ આયાત ભાવ જાહેર કરવા છતાં તેને કસ્ટમ્સ ક્લિયર્ડ વેલ્યુ મુજબ સંપૂર્ણ રેમિટ નહીં કરીને ફેમાના કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની પણ આશંકા છે. ફેમા હેઠળ આ ગુનાકીય પ્રવૃત્તિ ગણાય છે. 
વડા પ્રધાનને લખેલા પત્રમાં કિશોર શામજીએ ડાયરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી) તેમ જ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાનું ધ્યાન દોરીને કાયદાનો ભંગ કરનાર સામે ગંભીર પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે આ પત્ર સાથે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન મરીની આયાતની આંકડાકીય માહિતી પણ રજૂ કરી છે, તે ઉપરાંત સપ્ટેમ્બરમાં જે આયાતકારોએ મરીની આયાત કરી છે, તેમનાં નામ પણ દર્શાવ્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer