કાશ્મીરમાં નવા પડકાર

વિદેશો-વિશેષ તો યુરોપના દેશોમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ફ્રાન્સ, જર્મનીમાં કર્ફ્યુ છે અને બ્રિટનમાં પણ સખત નિયંત્રણો જાહેર થયાં છે ત્યારે આપણા દેશમાં સ્થિતિ સુધરી રહી છે. તાળાબંધી તબક્કાવાર ઉઠાવાઈ રહી છે અને દિવાળી સુધીમાં અર્થતંત્રની ગાડી પાટા ઉપર ધીમી ગતિએ શરૂ થવાની આશા છે. સરહદ ઉપર તંગદીલી યથાવત્ છે. ચીની પ્રમુખે સેનાને `તૈયાર' રહેવાનો આદેશ આપ્યો છે પણ નવેમ્બરમાં અમેરિકી પ્રમુખની ચૂંટણીનું પરિણામ આવે તેના ઉપર લદાખ સરહદની સ્થિતિનો આધાર હશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તા મેળવે તો ચીને યુદ્ધ ટાળવાનો વિચાર કરવો પડશે. અત્યારે ભારત પણ મક્કમ છે અને જ્યાં સુધી ચીની સેના અને શત્ર સરંજામનો ખડકલો હટાવાય નહીં ત્યાં સુધી ભારતીય સેના પણ જે શિખર સર કર્યાં છે તે છોડશે નહીં.
સરહદ ઉપર સેના અને સરકાર મક્કમ છે ત્યારે આપણા વિપક્ષીનેતાઓ સરકાર માટે વધુ સમસ્યાઓ સર્જી રહ્યા છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિજયની આશા નથી છતાં સેક્યુલરવાદ ફરીથી જગાડવાના પ્રયાસ શરૂ થયા છે અને બીજી બાજુ હિન્દુત્વની હરીફાઈ કરવા માગે છે!
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વમુખ્ય પ્રધાનો-ફારૂક અને ઉમર અબદુલ્લા તથા મેહબૂબા મુફતી `ઘરબંધી'માંથી છૂટયાં પછી કેન્દ્ર સરકાર સામે- અને ભારત સામે બગાવત કરવા તૈયાર થયાં છે. ફારૂક અબદુલ્લાએ તો ત્યાં સુધી કહી દીધું કે 370મી કલમ પાછી લાવવા માટે ચીનની મદદ મળશે. શું મેહબૂબા મુફ્તી પણ કાશ્મીરી એકતાને નામે બગાવતમાં જોડાશે? કે ભારતના આંતરિક મામલામાં ચીનની દખલગીરીનો ઈનકાર કરશે? કાશ્મીરમાં 370મી કલમના બહાને એકતા અને અલગતાવાદ જરૂરથી માથું ઊંચકે છે. ભારત સરકાર હવે ચૂંટણી-આગામી માર્ચમાં કરાવી શકશે? કે પછી અલગતાવાદીઓ સામે સખત કાર્યવાહી થશે? સંજોગો ઉપર આધાર હશે -પણ ચીન અને પાકિસ્તાન સરહદનો પ્રશ્ન સાથોસાથ રહેશે.
ફારૂક અબદુલ્લાના  હૈયા - દીલ અને દિમાગના શબ્દો હોઠ ઉપર આવ્યા છે. ભારતમાં દાયકાઓ સુધી સત્તા ભોગવી - ત્રીજી પેઢી સુધી મુખ્ય પ્રધાન રહ્યા. કાશ્મીરની તબાહી થતી ગઈ. લદાખ અને જમ્મુને અન્યાય અને પંડિતોએ અત્યાચાર ભોગવ્યા ત્યારે માત્ર `કાશ્મીરીયત્'ની વાત હતી -હવે જમ્મુ લદાખને ન્યાય આપવો છે! ભારતના દુશ્મનને દોસ્ત બનાવવો છે-!
ફારૂકના આ નિવેદન સામે કૉંગ્રેસ તથા અન્ય કોઈપક્ષના નેતાઓએ હરફ ઉચ્ચાર્યો નથી! સત્તાના સ્વાર્થમાં આ નેતાઓ દેશાભિમાન અને દેશહિતનો ભોગ આપવા શું તૈયાર છે? સંસદમાં અને શેરીઓમાં બતાવવાના અને બોલવાના શબ્દો અલગ છે!
પાકિસ્તાની એજન્સી-આઈએસઆઇએ સોશિયલ મીડિયા ઉપર એવી વાત વહેતી કરી છે કે 1965ના યુદ્ધ વખતે ભારતીય સેનાની `મુસ્લિમ રેજીમેન્ટ'એ પાકિસ્તાન સામે લડવાનો ઈનકાર કર્યો હતો ! હકીકતમાં આપણી - ભારતીય સેનામાં મુસ્લિમ રેજીમેન્ટ-અથવા કોઈધર્મના નામે રેજીમેન્ટ જ નથી. જાણીબૂઝીને - વર્ષ 2014માં - ચૂંટણી વખતે હિન્દુ-મુસ્લિમ વિખવાદ જગાવીને `સેક્યુલરવાદ'ને મદદ કરવાની મુરાદ હતી- જે નિષ્ફળ ગઈ. હવે ફરીથી આવો ના-પાક પ્રયાસ થઈ રહ્યો છે. ભારતીય સેનાને મુસ્લિમ સૈનિકો અને અફસરોનું ગૌરવ છે અને એમનાં સન્માન પણ થાય છે.
ફેસબુક- ટ્વીટર ઉપર થતા દુપ્રચાર રોકવાની રજૂઆત થઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer