તહેવારો દરમિયાન કારનું વેચાણ 25 ટકા વધવાની સંભાવના

તહેવારો દરમિયાન કારનું વેચાણ 25 ટકા વધવાની સંભાવના
કાર ડિલર્સ આકર્ષક ઓફર જાહેર કરશે, ઘરાકીના સંચારની અપેક્ષા 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા 16 અૉક્ટો. 
અનલોક 5 જાહેર થવાને પગલે યથાવત સ્થિતિ તરફ લોકો આગળ વધી રહ્યા છે. એ કારણે ઓટોમોબાઇલ ક્ષેત્રે હવે ધીમે ધીમે ઘરાકી ખૂલવા લાગી છે. ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બરની તહેવારોની સિઝનમાં ઓટો ડિલર્સ વેચાણમાં 20થી 25 ટકા સુધીનો સુધારો થાય તેવું માની રહ્યા છે. તો બીજી બાજુ વિવિધ કાર ઉત્પાદક કંપનીઓએ પણ ગ્રાહકોને આકર્ષવા માટે કેશબેક અને એક્સચેંજ બોનસ સહિતના અનેક પ્રોત્સાહનો જાહેર કરવા માટે કમર કસી છે.  
પ્રાપ્ત માહિતી અનુસાર અનેક કાર ઉત્પાદકોએ ગુજરાતમાં તહેવારો માટે અલગ સ્ટોકનું ઉત્પાદન કરી નાખ્યુ છે. સ્કોડા અને કિયા જેવી પ્રિમીયમ કાર ઉત્પાદકોએ હાલના તબક્કે કોઇ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી નહી હોવાનું જાણવા મળે છે. અમદાવાદના મારુતિ સુઝુકીના એક ડીલરે જણાવ્યું હતુ કે હજુ ડીલર દ્વારા કોઇ સ્કીમ જાહેર કરાઇ નથી પરંતુ કંપનીએ તેના વિવિધ મોડેલો પર રૂા. 5,000થી રૂા.15,000 સુધી કેશ બેક અને રૂ. 20,000 સુધીનું એક્સચેંજ બોનસ જાહેર કર્યુ છે. જ્યારે સીએનજી કાર પર રૂ. 40,000નું રોકડ, એક્સચેંજ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે.    
તાતાના એક ડીલરે જણાવ્યું હતુ કે તાતાની ટિયાગોથી લઇને તાતા હેરિયાર સુધીના અલગ અલગ મોડેલ પર રૂ. 15000થી લઇને રૂ. 40,000 સુધીની કેશબેક, એક્સેચેંજ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. તાતા દ્વારા તાજેતરમાં જ મેટ્રો સિટીમાં તાતા નેક્સોન ભાડે આપવાનો એક નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો છે. જેમા કંપનીએ માસિક આશરે રૂ. 40,000ના ભાડામાં સર્વિસ ચાર્જને પણ આવરી લીધો છે. આ પ્રયોગ કારની માલિકી નહી લેવા માગતા લોકોમાં લોકપ્રિય સાબિત થયો હોવાનું જાણવા મળ્યુ છે.  
તેવી જ રીતે નિસાન કંપની દ્વારા તેની રેનો કારના વિવિધ મોડેલોમાં રૂ. 15000થી લઇને રૂ. 30,000 સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. આ ઉપરાંત રેનો ડસ્ટર ટર્બો પેટ્રોલ મોડેલમાં પ્રવર્તમાન માલિકોને લોયલ્ટી બેનીફિટ તરીકે મેઇન્ટેનન્સ પેક પણ ઓફર કરી રહી છે.  
નિષ્ણાતો જણાવે છે કે કાર ઉત્પાદકોએ સપ્ટેમ્બરમાં જ કારનું ઉત્પાદન 30 ટકા સુધી વધારી દીધુ હતું. ઓક્ટોબર પહેલાના 10-15 દિવસો પહેલા ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. બીજી બાજુ વવિધ બેન્કો પણ ગ્રાહકોને સસ્તી લોન આપવા માટે તૈયાર થઇ રહી છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા 7.4 ટકાના દરે, એસબીઆઇ 7.5 ટકા અને પીએનબી 7.55 ટકાના દરે લોન આપી રહી છે.  
તહેવારો નજીક આવતા અમદાવાદમાં અનેક ડિલર્સ તરફથી વિવિધ ઓફર્સ જાહેર કરાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. એક ડીલરે જણાવ્યું હતુ કે કંપનીઓએ વર્ચ્યુઅલ સવલત શરૂ કરી હોવા છતા મોટા ભાગના લોકો શો-રૂમમાં આવીને કાર પસંદ કરે છે. હવે તહેવારો આવતા હોવાથી અને આવવા જવા પરની પાબંદી હળવી કરાતા વેચાણ વધશે તેવી અમને આશા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer