ગુજરાતમાં મગફળીનો પાક 38 લાખ ટન થવાનો અંદાજ

ગુજરાતમાં મગફળીનો પાક 38 લાખ ટન થવાનો અંદાજ
તલનો કુલ પાક 4.39 લાખ ટન થશે : વૈશ્વિક પરિષદનું તારણ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 16 અૉકટો. 
ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 38.51 લાખ ટન થશે તેવો અંદાજ ઇન્ડિયન ઓઇલસિડઝ એન્ડ પ્રોડ્યૂસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ યોજિત બીજી વર્ચ્યુઅલ આઇઓપીઇપીસી ગ્લોબલ ઓઇલસીડ કૉન્ફરન્સમાં વ્યક્ત થયો હતો. 
સંસ્થાના ચૅરમૅન ખુશવંત જૈન કહે છે, દેશમાં 77.28 લાખ ટન મગફળી પાકશે. તલનો પાક 4.39 લાખ ટન થશે તેવી ધારણા મૂકાઇ હતી. 
જૈન કહે છે, દેશમાં 50.95 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. સરેરાશ 1517 કિલો પ્રતિ હેક્ટરનો ઉતારો આવશે, તેવું સર્વે બાદ ફલિત થયું છે. 
સૌરાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં વધુ પડતા વરસાદને લીધે કેટલાક ખેતરોમાં મગફળીને નુક્સાન પણ થયું છે. 
સંસ્થા દ્વારા આંધ્ર પ્રદેશમાં 5.22 લાખ ટન, કર્ણાટકમાં 3.76, મધ્યપ્રદેશમાં 4.34 લાખ ટન, મહારાષ્ટ્રમાં 2.12 લાખ ટન, રાજસ્થાનમાં 14.94 લાખ ટન અને તામિલનાડુમાં 5.39 લાખ ટનનો પાક થવાની ધારણા છે.  
તલના પાકનો અંદાજ પણ બેઠકમાં રજૂ થયો હતો. તે પ્રમાણે દેશમાં 4.39 લાખ ટનનો પાક થશે. દેશમાં તલનું વાવેતર 14.01 લાખ હેક્ટરમાં થયું હતુ અને હેક્ટર દીઠ 313 કિલોનો ઉતારો ગણવામાં આવ્યો છે. 
તલના ઉત્પાદનમાં મધ્યપ્રદેશ મોખરાના સ્થાને છે.  ત્યાં 1.62 લાખ ટનનો પાક આવશે. ગુજરાતમાં 45774 ટન, ઓરિસામાં 26291 ટન, રાજસ્થાનમાં 92308 ટન, ઉત્તર પ્રદેશમાં 72312 ટનનો પાક મુખ્યત્વે રહેશે. 
સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ પડતા વરસાદને લીધે બન્નેપાકોની ઉત્પાદકતા પ્રભાવિત થઈ હોવાની જાહેરાત બેઠકમાં થઇ હતી. રાજસ્થાનમાં પણ વધારે પડતો વરસાદ પડ્યો હતો. પરંતુ ત્યાં પાકને નુક્સાન થયું નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer