સૌરાષ્ટ્રમાં માવઠાં : ખેડૂતો માથે ફરી આફત

ખેતમજૂર અને હલર નહીં મળતાં મગફળી અને કપાસને નુકસાન 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 અૉક્ટો. 
સૌરાષ્ટ્ર વિસ્તારમાં બે દિવસથી વરસી રહેલા માવઠાંની અઠવાડિયા પૂર્વે આગાહી થઇ હોવા છતાં ખેડૂતોને મગફળી અને કપાસમાં વ્યાપક નુક્સાન ખમવાનો વખત આવ્યો છે. ઘણા વિસ્તારોમાં ખેત મજૂરોની અછત છે. તો વળી ક્યાંક હલર કે થ્રેસર નહીં મળવાને કારણે ખેડૂતોના હાથમાં રહેલો કોળિયો ઠેર ઠેર ઝૂંટવાઇ ગયો છે.   
માર્કેટ યાર્ડોમાં મોટેભાગે જથ્થો સગેવગે થઇ જતા ઓછું નુક્સાન થયું છે. પરંતુ ખેતરોમાં મગફળીના પાથરા પૂરી કોશિષ છતાં ઉપાડી ન શકાતા ગુણવત્તામાં બગાડ થયો છે. પાકનો અંદાજ નહીં બદલાય પણ ખેડૂતોને ગુણવત્તાની નુક્સાનીથી સરવાળે પાકનો ભાવ ઓછો આવશે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર બે દિવસથી માવઠાં થઇ રહ્યા છે. જોકે રવિવારે અને સોમવારે વરસાદનું જોર ઝાઝું રહેતા ખેડૂતો પર ફરીથી આફત આવી છે. ખેડૂત રમેશ ભોરણીયા કહે છે, ઝીણી મગફળી નીકળી ગઇ હતી પરંતુ જાડી મગફળી લાંબા સમયે પાકે છે. તે ઉપાડવાનો સમય ચાલી રહ્યો હતો. વરસાદની આગાહી થઇ હતી. એ કારણે ખેડૂતો માનસિક તૈયાર હતા જ. પરંતુ ક્યાંક મજૂરોની અછતથી મગફળી ઉપાડી શકાઇ ન હતી. ક્યાંક હલર ન મળવાના વાંકે પાથરા પડ્યાં હતા. એવા ખેતરોમાં બગાડ થયો છે.  
વરસાદને લીધે મગફળીની ગુણવત્તા બગડશે. પાલો કાળો પડી જશે અને ઉપાડતી વખતે રહી ગયેલા પોપટા વરસાદથી દટાઇ જતા ફરીથી તે ઉગશે એટલે ખેડૂત માટે સમસ્યા ઉભી થશે. તેમણે કહ્યું કે, કાળો પડી ગયેલો પાલો પશુ ખાશે નહીં એટલે ખેડૂતોને ખર્ચ વધશે. કપાસના ખેતરોમાં બીજી વીણી માટે જીંડવા ખૂબ બેઠાં હતા પરંતુ વરસાદ અને પવનને લીધે ઘણા ખેતરોમાં છોડ ઝપટાઇ ગયા છે અને ઝૂકી ગયા છે. વરસાદ તો જીંડવા ખમી ગયા છે પણ હવે તેનું બંધારણ ઉઘાડ નીકળ્યા પછી નબળું પડી જવાનો ભય છે. 
અગાઉ પણ સતત વરસાદ ચાલુ રહેવાને કારણે કપાસની પહેલી વીણીના ફાલને વ્યાપક નુક્સાન થયું હતુ. હવે બીજી વીણી તૈયાર થઇ રહી છે ત્યારે ફરીથી ખેડૂતોને ફટકો પડે તેવો ભય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer