લોકડાઉન હળવો થતાં સ્વદેશી રમકડાંની માગમાં સતત વધારો

અમારા પ્રતિનિધિ તરફથી   
મુંબઈ, તા. 20 ઓક્ટો.  
સ્વદેશી રમકડાં ઉત્પાદકોના વોલ્યુમમાં સતત વધારો થતો જાય છે. ઓગષ્ટમાં લોકડાઉન હળવો કરાવાની સાથે સ્વદેશી રમકડાંની માગમાં સુધારો શરૂ થયો હતો, જે વધુ વ્યાપક બનતો ગયો છે. ચીનનાં રમકડાં પર આયાત નિયંત્રણ અને જાન્યુઆરી 2021થી બીઆઈએસ ધોરણો ફરજિયાત થવાનાં હોવાથી હવે સ્વદેશી રમકડાંમાં સ્ટોકિસ્ટો અને વપરાશકારોની માગ નીકળી છે. ઉદ્યોજક સૂત્રોએ જણાવ્યું છે કે મુંબઈથી વાપી સુધી પથરાયેલ રમકડાં યુનિટોમાં ધીમે ધીમે, પરંતુ સ્થિરપણે ઉત્પાદન અને માગમાં વધારો થયો છે. છેલ્લા બે મહિના દરમિયાન અનલોકને પગલે દેશાવરો ખાતેથી દરેક શ્રેણીનાં સ્વદેશી રમકડાંના નવા ઓર્ડર સારા પ્રમાણમાં મળી રહ્યા છે. શૈક્ષણિક, રમતગમત, ઈન્ડોર ગેમ્સ અને તદ્દન સામાન્ય કિંમતના રમકડાંની વ્યાપારી ખરીદી વધી છે. હવે દિવાળી પછી શાળાઓ અને ભૂલકાં માટેની પ્લે સ્કૂલો શરૂ થવાની ધારણાથી શૈક્ષણિક રમકડાંની માગમાં જોરદાર વધારો નોંધાયો હોવાનું અગ્રણી ઉત્પાદકોએ જણાવ્યું છે.  
મુંબઈસ્થિત પીકોક ટોયઝના સંચાલક જુઝાર ગબાજીવાલાએ જણાવ્યું હતું કે અત્યારે અમે અમારાં શૈક્ષણિક (બ્લોકસ) રમકડાંની માગને ઝડપથી પૂરી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. લોકડાઉનને લીધે કામદારોનું પલાયન અને કાચા માલની તંગી છતાં અમે વધુ ઉત્પાદનના પ્રયાસો તેજ બનાવ્યા છે. આમ છતાં અત્યારે ઉત્પાદન કરતાં માગ વધુ છે.  
મુંબઈની છૂટક બજારોમાં ધીમે ધીમે નવી ખરીદી વધી રહી છે, પરંતુ સબર્બન ટ્રેન સેવા બંધ હોવાથી ક્રાફર્ડ માર્કેટ જેવાં મુખ્ય બજારોમાં પરાના ગ્રાહક નહીં આવી શકતાં ઘરાકી મધ્યમ સ્તરે હોવાનું રમકડાંના છૂટક વેપારીઓનું કહેવું છે. ગબાજીવાલાએ જણાવ્યું કે શૈક્ષણિક રમકડાંની માગ મુંબઈના અન્ય વિસ્તારો ઉપરાંત ગુજરાત અને મધ્યપ્રદેશમાં વધી છે, જે અમારા ઉદ્યોગ માટે સારો સંકેત ગણાય. અન્ય શ્રેણીનાં અને મોંઘાં રમકડાંની માગ હજુ જોઈએ તેવી વધતી નથી, પરંતુ દિવાળી પછી સમગ્ર સ્વદેશી રમકડાં બિઝનેસ માટે કપરો કાળ પૂરો થવાની આશા રાખી શકાય.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer