વડોદરામાં ભાડાંની અનેક દુકાનો બંધ

અમારા પ્રતિનિધિ દ્વારા   
મુંબઈ, તા. 20 ઓક્ટો.  
વડોદરા શહેરમાં અને જિલ્લામાં નાના દુકાનદારો અને ગૃહ-લઘુ ઉદ્યમીઓની સ્થિતિ કથળતી ગઈ છે. બજારોમાં વેપારીઓએ ધંધો સમેટી ભાડાંની દુકાનો પાછી આપી દેવાના કિસ્સા વધ્યા છે, એમ અગ્રણી વેપારી સંગઠનના હોદ્દેદારે જણાવ્યું હતુન. વડોદરા નજીક સંખેડા ખાતેના જાણીતા લાકડાના રમકડાના ગૃહ ઉત્પાદનને સૌથી માઠી અસર થઈ હોવાનું જાણવા મળે છે. છ મહિના ધંધો બંધ રહેવાથી શહેર નજીક વિકસેલ બુટ-ચંપલ બનાવવાનો ધંધો પણ હવે  ડચકાં ખાઈ રહ્યો છે.  
શહેર અને જિલ્લામાં કોરોનાનો પ્રકોપ નિયંત્રણમાં નહીં આવવાને લીધે વધતી અનિશ્ચિતતાથી ડઘાયેલ નાના ધંધાદારી-દુકાનદારો હવે વધુ રાહ જોવાનું ટાળી રહ્યા છે. અનેક ભાડાની દુકાન ચલાવનારા વેપારીઓએ ઘરમાં ખાદ્યસામગ્રી બનાવીને વિતરણ કરીને જ્યારે સંખ્યાબંધ લોકોએ શાકભાજી વેચીને ગુજરાન ચલાવવાનું શરૂ કર્યાના અહેવાલ છે.  
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ ઈદ, હવે નવરાત્રિમાં શેરી ગરબાની મનાઈને લીધે ચણિયાચોળી, ફુટવેર અને મહિલા શણગાર પ્રસાધન અને આભૂષણોના ધંધાનાં તળિયા 
આવી ગયાનું જણાય છે. ડેકોરેશન અને કેટારિંગ સાથે સંકળાયેલ ધંધાર્થીઓ દેવામાં ડૂબી ગયાનું જાણવા મળે છે. લગ્નસરા અને નવરાત્રિ નિષ્ફળ જતાં વડોદરા શહેરમાં આસપાસથી આવતો મોટો ધંધો સૂકાઈ જવાથી દુકાનોની રોનક છીનવાઈ ગઈ હોવાનું સંગઠનનાં સૂત્રોએ જણાવ્યું હતું.  
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)ના મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું હતું કે 'આગામી સમય વધુ કઠિન હોવાના સ્પષ્ટ સંકેત મળે છે. ગુજરાત સરકારે જાહેર કરેલ વ્યાજ સબસિડી ધરાવતી રૂા. 1 લાખ સુધીની લોન યોજનાનો લાભ 10 ટકા લોકોને પણ મળ્યો નથી. તેથી વડોદરાના નાના રિટેલરો-ઉદ્યમીઓને ધંધો સમેટીને અન્યત્ર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી છે. જોકે આજના કપરા કાળમાં નવી ગોઠવણ ઘણી મુશ્કેલ હોવાથી વેપારીઓને ભાવિ અત્યંત ધૂંધળું જણાય છે.'  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer