ઓછા ઉત્પાદન, વધુ નિકાસને પગલે એરંડામાં તેજીની સંભાવના

વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 20 અૉક્ટો. 
એરંડાનું નવું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ તેમજ કેસ્ટર ઓઇલ/દિવેલની માંગ સારી રહેવાથી એક બાજુ તેના ભાવ સપ્ટેમ્બરમાં સાત ટકા વધ્યા છે તેમજ હવે એક મહિનામાં દસ ટકા સુધી વધી શકે છે. હાજર બજારમાં એરંડાનો ભાવ 4100- 4200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યા છે જે સપ્ટેમ્બરમાં 3900 રૂપિયા હતા. વેપારીઓનું કહેવુ છે કે, એક મહિનામાં 4500- 4550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું સ્તર સ્પર્શી શકે છે. 
વેપારીઓનું કહેવુ છે કે ચાલુ વર્ષે એરંડાનું વાવેતર ઘટ્યુ છે તેમજ તેનાથી ઉત્પાદન પણ ઓછુ થશે. એરંડાનું વાવેતર ઘટવાનું કારણ ખેડૂતોનું ઉંચુ વળતર આપનાર અન્ય પાક તરફ ફંટાવવુ છે. કૃષિ મંત્રાલયના મતે વર્ષ 2020-21 (જુલાઇ-જૂન)માં એરંડાનું વાવેતર 7.92 લાખ હેક્ટરમાં થયુ છે જે પાછલા વર્ષની તુલનામાં 16 ટકા ઓછુ છે. નોંધનિય છે કે એરંડાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે જ્યારે રાજસ્થાન, આંધપ્રદેશ અને તેલંગાણાનું સ્થાન ત્યારબાદ આવે છે. 
કૃષિ ઉત્પાદનના પ્રથમ અગ્રિમ ઉત્પાદન અંદાજ મુજબ દેશમાં એરંડાનું ઉત્પાદન 17 લાખ ટન રહેવાનો અંદાજ છે જે પાછલા વર્ષની તુલનામાં 5.6 ટકા ઓછુ હશે. જ્યારે વેપારીઓના મતે તેનું ઉત્પાદન 15-16 લાખ ટન રહેવાનો અંદાજ છે. એરંડા ઉત્પાદક મુખ્ય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદથી તેની સપ્લાય પ્રભાવિત થશે જે તેના ભાવમાં તેજીનું મુખ્ય પરિબળ બનશે. એરંડાના પાકને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી નુકસાન થયુ છે. એક મોટા અંદાજ તરીકે આ વિસ્તારોમાં એરંડાના 30 ટકા પાકને નુકસાન થયુ છે. બીજી બાજુ લોકડાઉનમાં છૂટછાટ બાદ દિવેલની માંગમાં સુધારો થયો છે. 
દિવેલના નિકાસકારોના મતે ચીન, થાઇલેન્ડ તેમજ જાપાન સહિત અનેક દેશોની તેલની માંગ નીકળી રહી છે. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના મતે જુલાઇમાં દેશમાં દિવેલની નિકાસ 65682 ટને પહોંચી ગઇ જે જુલાઇ 2019ની નિકાસ 51962 ટનની તુલનામાં 26.4 ટકા વધારે છે. જે જૂન 2020ની નિકાસ 48589 ટનની તુલનામાં 35.2 ટકા વધારે છે. અલબત અત્યાર સુધી ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બરના નિકાસ આંકડા જાહેર થયા નથી. 
જ્યંત એગ્રોના ચેરમેન અભય ઉદેશીનું કહેવુ છે કે, વર્ષ 2019માં દિવેલ તેમજ તેની અન્ય પેદાશોની નિકાસ 545292 ટન રહી જે દસ ટકા ઓછી છે, તેમજ નિકાસમાં આ ઘટાડો કોરોના મહામારીના કારણે થયો છે. બીજી બાજુ કેટલાક વેપારીઓનું કહેવુ છે કે, એરંડાનો કેરીઓવર સ્ટોક વધારે હોવાથી તેના ભાવ મર્યાદિત સીમામાં વધી શકશે. એરંડાનો કેરી ઓવર સ્ટોક ચાર લાખ ટન આંકવામાં આવી રહ્યો છે જે પાછલા વર્ષે 3.50 લાખ ટન હતો. નવા પાકની આવક ડિસેમ્બરથી થશે, પરંતુ તેની આવકમાં વૃદ્ધિ જાન્યુઆરીથી થવા લાગશે જે તેના ભાવ પર દબાણ બનાવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer