નવી રવી સિઝનમાં ધાણાનું વાવેતર વધવાની સંભાવના

વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 20 અૉક્ટો. 
રવી સિઝન વર્ષ 2020-21માં ધાણાનું વાવેતર વધવાની પ્રબળ સંભાવના છે. ધાણાના ખેડૂતોને મળી રહેલા પ્રોત્સાહક ભાવ તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધાણા ઉત્પાદક વિસ્તારમાં પડેલા ઓછા વરસાદના કારણે તેની ખેતી વધી શકે છે. 
દેશમાં ધાણાનું ઉત્પાદન કરનાર રાજ્યોમાં પાછલા વર્ષે વાવેતર સૌથી વધારે ગુજરાતમાં વધ્યુ હતુ. ગુજરાતમાં પાક વર્ષ 2019-20માં ધાણાના વાવેતરમાં 198 ટકાનો જંગી વધારો થયો. રાજ્યમાં ધાણાનું વાવેતર 88405 હેક્ટરમાં થયુ જે વર્ષ 2018-19 29530 હેક્ટરમાં થયું. ગુજરાતમાં વર્ષ 2018-19 સિઝનની સમયે દુષ્કાળ હોવાથી તેમજ પાણીની ઓછી ઉપલબ્ધતાથી વાવેતર ઘણું ઓછુ થયુ હતુ. 
ધાણાના બીજા સૌથી મોટા ઉત્પાદક રાજ્ય રાજસ્થાનમાં પાક વર્ષ 2019-20માં ધાણાનું વાવેતર 13 ટકા વધ્યુ. રાજ્યમાં ધાણાનું વાવેતર 77900 હેક્ટરમાં થયુ છે જે વર્ષ 2018-19માં 68784 હેક્ટર હતુ. જ્યારે મધ્યપ્રદેશમાં તે થોડુંક ઘટ્યુ છે. મધ્યપ્રદેશમાં ધાણાનું વાવેતર 272406 હેક્ટરમાં થયુ છે જે વર્ષ 2018-19માં 279980 હેક્ટર હતુ. 
ગુજરાતના ધાણા ઉત્પાદક વિસ્તારમાં ચાલુ વર્ષે વરસાદ ઘણો સારો પડ્યો છે જ્યારે રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના ધાણા ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે. ધાણાના પાકને બે વખત જ સિંચાઇ માટે પાણીની જરૂર પડે છે જ્યારે રાત્રે સખત ઠંડી પડવાથી તેને પાણીની જરૂરીયાત ઘટી જાય છે. જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાં ધાણા સિવાય અન્ય વિકલ્પ ચણા અને લસણ છે. આ પાકોને પાણીની પણ ઓછી જરૂર પડે છે. આથી વાવેતરના સમયે ક્યા પાકોના ભાવ ઉંચા રહે છે, તે પણ વાવેતરનું વલણ નક્કી કરશે. 
અલબત, ચાલુ વર્ષે સિઝનની શરૂઆતમાં ખેડૂતોને લીલા ધાણાના ભાવ 50-80 રૂપિયા અને સાધારણ ધાણાના ભાવ 50-60 રૂપિયા પ્રતિકિગ્રા મળ્યા જે સારા ભાવ કહી શકાય છે. એવામાં ખેડૂતોનો મોહ ધાણામાંથી ઘટ્યો નથી. રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ધાણા ઉત્પાદક વિસ્તારોમાં ઓછા વરસાદને પગલે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર ઘટવાની અપેક્ષા છે તેમજ ઘઉંમાં ખેડુતોને આકર્ષણ વળતર ન મળવાથી તેમજ બજાર ભાવ સુસ્ત રહેવાથી ખેડૂતો ઘઉંનું વાવેતર કરવાથી અચકાશે. 
દેશમાં પાક વર્ષ 2019-20માં ધાણાનો વેપારી ઉત્પાદન અંદાજ 85-90 લાખ બોરી છે જે વર્ષ 2018-19માં 75 લાખ બોરી હતો. જ્યારે સીઝન 2019-20માં ઓપાનિંગ સ્ટોક 35 લાખ બોરી હતો. આવી રીતે કુલ સપ્લાય 120-125 લાખ બોરી છે જ્યારે તેની વપરાશ 120 લાખ બોરી વાર્ષિક રહે છે. પરંતુ કોરોના મહામારીના પગલે થયેલા લોકડાઉનથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ તેમજ કેટારિંગના કામકાજ બંધ થઇ જવાથી વપરાશમાં લગભગ 20 લાખ બોરીનો ઘટાડો થયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer