સરકાર બફર સ્ટોકમાંથી 40,000 ટન તુવેરદાળ વેચશે

નાફેડે અચાનક ચણાનું વેચાણ બંધ કર્યું  
ડી. કે 
મુંબઈ, તા. 20 અૉક્ટો. 
તહેવારો ટાણે જ કઠોળના આસમાને ચડતા ભાવોને કંટ્રોલમાં લેવા માટે કેન્દ્ર સરકાર કમર કસી રહી છે, તો બીજીતરફ સરકાર ખેડૂતોને પોષાણક્ષમ ભાવ મળી રહે તે માટે આયાતનાં નિયંત્રણો પણ હળવા કરવા માગતી નથી. પરિણામે હવે સરકારે બફર સ્ટોકમાંથી તુવેર દાળનો 40000 ટનનો સ્ટોક બજારમાં લાવવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે નાફેડે અચાનક ચણાનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 
છૂટક બજારમાં તુવેરદાળના ભાવ કિલો દીઠ 150 રૂપિયાની સપાટી વટાવી ચુક્યા છે ત્યારે સરકારને હવે કોરોના ઉપરાંત મોંઘવારી સામે પણ જંગે ચડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.સરકારે કરેલી પહેલ બાદ દેશનાં પાંચ રાજ્યો એવાં છે જે ટેકાનાં ભાવે બફર સ્ટોક માંથી કુલ એક લાખ ટન દાળ ખરીદવા તૈયાર છે. આ રાજ્યો સરકાર પાસેથી ખરીદેલી દાળ તેમના રાજ્યોમાં નાગરિકોને રાહત દરે વેચવા તૈયાર છે. છેલ્લા બે સપ્તાહમાં જ તુવેર તથા અડદની દાળનાં ભાવમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં તુવેરદાળનાં જે ભાવ હતા તેના કરતાં હાલમાં 40 ટકા જેટલા વધારે છે જ્યારે અડદની દાળનાં ભાવ 50 ટકા જેટલા વધારે છે. હાલમાં નાફેડ પાસે રહેલા બફર સ્ટોકમાંથી આ કઠોળ આપવાની ગણતરી છે. 
સામાન્ય રીતે ભારતમાં સિઝનના પ્રારંભે ક?ષિ પેદાશોના ભાવ એકદમ ઘટી જાય ત્યારે ખેડૂતો ને ટેકો મળી રહે તે માટે નાફેડ સરકારે નક્કી કરેલા ટેકાનાં ભાવે કઠોળની ખરીદી કરતી હોય છે. અને પછી તેનું સરકારી યોજનાઓ હેઠળ અથવા તો ભાવ વધે ત્યારે ખુલ્લા બજારમાં વેચાણ થતું હોય છે. 
દરમિયાન નાફેડે રવિ સિઝન માથે આવતી હોવાથી ચણાનો સ્ટોક ઘટાડીને ગોદામોમાં જગ્યા કરવા માટે ચણાનું વેચાણ  શરૂ કર્યુ હતું. જે અચાનક બંધ કરી દીધું છે. બજારમાં અહેવાલો એવા પણ છે કે આશરે 20000 ટન ચણા ઓસ્ટ્રેલિયાથી ટાન્ઝાનિયા માર્ગે ભારતનાં બંદરોએ આવશે. આમ તો સરકારે આયાત ડ્યુટી ઘટાડવાની વાત ટાળી છે. કારણ કે જો આયાત ડ્યુટી ઘટે અને ભાવ 30 ટકા સુધી ઘટે તો ઓસ્ટ્રેલિયાને ચણા ભારતમાં ઉતારવા પરવડે તેમ છે. 
અત્રે ખાસ નોંધનીય છે કે સરકારે સપ્ટેમ્બર-20 માં જ ચણાના ટેકાનાં ભાવ 4875 રૂપિયાથી વધારીને 5100 રૂપિયા તથા મસુરનાં ટેકાનાં ભાવ 4800 રૂપિયાથી વદારીને 5100 રૂપિયા કર્યા છે. આવા સંજોગોમાં જો આયાત ડ્યુટી ઘટે અને આગામી સિઝનમાં ખેડૂતો ચણાનું વાવેતર વધારે આવતી સિઝને ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવ અપાવવા મુશ્કેલ બની શકે છે. તેથી સરકાર અચકાઇ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer