દિવાળીના તહેવારોમાં વેપારીઓ ચીનને રૂા. 40,000 કરોડનો આર્થિક ફટકો આપશે : કેઈટ

નવી દિલ્હી, તા. 20 અૉક્ટો.
કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)ના નેજા હેઠળ દેશના વેપારીઓએ `િહન્દુસ્તાની દિવાળી' ઊજવવાના નિર્ધાર હેઠળ ચીનને રૂા. 40 હજાર કરોડનો આર્થિક ફટકો આપવાની તૈયારી કરી છે.
કેઇટના આ અભિયાનને દેશમાં લાખો વેપારીઓએ સમર્થન આપ્યું છે અને ચીની માલ નહીં વેચવાનો નિર્ધાર કર્યો છે જ્યારે બીજી તરફ ગ્રાહકો પણ ચીનનો માલ ખરીદવાથી દૂર થઈ રહ્યા હોવાથી દિવાળીના તહેવારોમાં ચીનને રૂા. 40 હજાર કરોડનું નુકસાન થશે તે નિશ્ચિત છે, એમ કેઇટના પ્રમુખ બીસી ભારતીયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું છે.
દેશમાં દિવાળીના તહેવારો દરમિયાન આશરે રૂા. 70 હજાર કરોડનો વેપાર થાય છે, તેમાં સોના-ચાંદી, અૉટોમોબાઇલ જેવા મોંઘા વેપાર પણ સામેલ છે. આ રૂા. 70 હજાર કરોડના કુલ વેપારમાંથી રૂા. 40 હજાર કરોડનો માલ ગયા વર્ષે ચીનથી આયાત થયો હતો. ભારતીય જવાનોની શહીદી એળે જાય નહીં તે માટે `કેઇટ'એ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ચીનનો સામાન નહીં લેવાનો નિર્ધાર કરતાં ચીનને આ તહેવારોની મોસમમાં રૂા. 40 હજાર કરોડથી વધુનું નુકસાન થશે, એમ ખંડેલવાલે જણાવ્યું હતું.
ચીની સામાનના વિકલ્પ તરીકે સ્થાનિક લઘુ ઉદ્યોગોને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. દેશના કારીગરો અને કલાકારોને વિવિધ માલના અૉર્ડર અપાઈ ચૂક્યા છે અને તેમનો માલ સ્થાનિક વેપારીઓ લઈ ચીની સામાનને તિલાંજલી આપશે, એમ તેમણે ઉમેર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer