બુલેટ ટ્રેનના 237 કિમી ટ્રેકનું કામ એલએન્ડટીને મળવાની શક્યતા

બુલેટ ટ્રેનના 237 કિમી ટ્રેકનું કામ એલએન્ડટીને મળવાની શક્યતા
સુરત અને ઉમરગામમાં ડેપો બનશે  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 20 ઓક્ટો. 
મોદી સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આડે અગણિત અડચણો અત્યાર સુધી આવી છે. પર્યાવરણ બચાવો અને જમીન સંપાદનના વળતર મામલે ખેડૂતોનો વિરોધને શાંત પાડવામાં સરકારને નાકે દમ આવ્યો છે. આમ છતાં,  સરકાર બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટને ટ્રેક પર પરત લાવવામાં થોડીઘણી સફળ રહી હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. રેલ્વે ટ્રેક બનાવવાના પ્રોજેક્ટની અંતિમ બીડમાં એલ એન્ડ ટીને 237 કિલોમીટરનાં ટ્રેકનું કામ આપી દેવાયું છે અને ટૂંકમાં રેલ્વે ટ્રેકનું કામ શરૂ થશે તેવું જણાય રહ્યું છે.  
બુલેટ ટ્રેનના ટ્રેક માટેનું ગઈકાલે ટેન્ડર ખૂલ્યું હતું. સાત કંપનીઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ટેન્ડર ભર્યું હતું. જેમાંથી એલ એન્ડ ટી, ટાટા પ્રોજેક્ટ, જે.કુમાર ઇન્ફ્રા અને એફકોન્સ ઇન્ફ્રા-ઇરકોન ત્રણ કંપનીઓ ટેન્ડરની અંતિમ રેસમાં હતી. એલ એન્ડ ટીએ રૂા. 24,985 કરોડ, ટાટા પ્રોજેક્ટે રૂા. 28,228 કરોડ અને એફકોન્સ ઇન્ફ્રાએ રૂા. 36,874 કરોડની બીડ ભરી હતી. અંતે 508 કીલોમીટર લાંબી ટ્રેક લાઇન પૈકી 237.1 કીલોમીટર રેલ્વે લાઇન માટે રૂા. 24,985 કરોડના ઓછી ખર્ચની રકમ દર્શાવીને ટેન્ડર ભરનાર એલ એન્ડ ટી કંપનીએ બાજી મારી છે.  
આ ટેન્ડર માટે ટેકનીકલ બીડ ગત 23મી સપ્ટેમ્બરના દિવસે ખૂલી હતી. ટેકનીકલ બીડની કડક તપાસ બાદ એક મહિનાથી ઓછા સમયગાળામાં નાણાકિય બીડ પણ ખુલી છે. જેમાં એલએન્ડટીએ છ કંપનીઓને પછાડીને રેલ્વે ટ્રેકનું ટેન્ડર મેળવવામાં બાજી મારી છે.  
કુલ 508 કીલોમીટરના લાંબા ટ્રેકમાં 41 ટકાથી વધુ હિસ્સો વાપી, વલસાડ, સુરત, બીલીમોરા, ભરૂચ અને વડોદરા સાથે મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચેના બોર્ડર પટ્ટાનો સમાવેશ થાય છે. સુરતના કઠોરમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે જે માટે જમીન સંપાદનનું ઘણા સમય અગાઉ પૂર્ણ થઇ ચૂક્યું છે. બુલેટ ટ્રેનના ડેપો સુરત અને ઉમરગામના ઝરોલીમાં બનાવવામાં આવશે. 
દિલ્હી-મુંબઇ ફ્રેટ કોરિડોર માટે શેરડીના પાક પર બુલડોઝર 
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદનનાં વળતરને લઇને ખેડૂતોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. આ સાથે જ દિલ્હી-મુંબઇ ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઇને પણ ખેડૂતોની કોઇ વાતને જાણે સાંભળવવામાં આવી ન હોય તેવું ચિત્ર ઉભું થયું છે. ડીએફઆરસી પ્રોજેક્ટ માટે 90 એકર જગ્યાના સંપાદન માટે કેટલાક સમયથી લડત ચાલી રહી છે. ખેડૂતો હાઇકોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી સાડા ત્રણ વર્ષથી લડત લડી રહ્યા હતા. અંતે ખેડૂતોની હાર થતાં ડીએફઆરસીના અધિકારીઓ પોલીસનો બંદોબસ્ત લઇને માનવતા નેવે મૂકી કામરેજના કોસમાડા ગામે શેરડીના ઉભા પાકવાળા ખેતરમાં બુલડોઝર ફેરવી નાખતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ કહે છે કે, સરકાર ખેડૂતોની કોઇ વાત જાણે સાંભળવા તૈયાર નથી. માનવતા કોરાણે મૂકી અધિકારીઓએ ખેતરમાં ઉભા પાકમાં બુલડોઝર ફેરવીને સરકારની વાસ્તવિક નીતિ-રીતિના દર્શન ખેડૂતોને કરાવ્યા છે. આગામી સપ્તાહમાં શેરડીની કાપણી શરૂ થવાની છે છતાં દસ દિવસની રાહ જોયા વિના અધિકારીઓએ ખેડૂતોની હૈયુ બાળે તેવું કામ કર્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer