અતિવૃષ્ટિમાં પણ પ્રાકૃતિક ખેતીથી મગફળીનો જંગી પાક

અતિવૃષ્ટિમાં પણ પ્રાકૃતિક ખેતીથી મગફળીનો જંગી પાક
મગફળી વચ્ચે ગલગોટાના ફૂલની ખેતી કરી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.20 અૉક્ટો. 
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ થઇ હતી. ઠેકઠેકાણે ભારે વરસાદને લીધે મગફળીના પાકને વ્યાપક નુક્સાન થયું હતુ તો ક્યાંક ક્યાંક ઉતારો ઓછો મળવાની ફરિયાદ હતી. આવા સંજોગમાં જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા ખોખરી ગામના ખેડૂત શક્તાસિંહ જાડેજાએ રાસાયણિક દવાઓ વિના પ્રાકૃતિક ખેતી કરીને મગફળીમાં ઉતારો અને ગુણવત્તા બન્ને જાળવી રાખ્યા છે. 
આસપાસના ખેતરોમાં વીધે માંડ માંડ 6થી 12 મણના ઉતારા મળ્યા હતા. પણ શક્તાસિંહ 14થી 15 મણનો ઉતારો લીધો છે. શક્તાસિંહ આત્મા પ્રોજેક્ટમાં સભ્ય છે. રાસાયણિક ખેતીને સ્થાને ખેતી ખર્ચ ઘટાડીને દવા વિનાની ખેતી માટે તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ગયાવર્ષમાં શાકભાજી ઓર્ગેનિક પધ્ધતિથી વાવીને રાજકોટમાં ઘેર ઘેર ડિલિવરી કરી હતી. આ વર્ષે નાના ખેડૂતોને એકત્ર કરીને જૂથ બનાવીને બધુ જ ચીજો પ્રાકૃતિક ખેતીથી તૈયાર થાય અને ગ્રાહકોને શુધ્ધ શાકભાજી તથા અનાજ મળે અને સીધું જ વેચાણ કરી શકાય તેવી પ્રવૃત્તિ કરવાનું તેમનું સ્વપ્ન છે. 
શક્તાસિંહ કહે છે, રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના લીધે ખેડૂતોનો રસ વધ્યો છે અને વધુને વધુ ખેડૂતો આ અભિયાનમાં જોડાતા જાય છે. ચાલુ વર્ષે તેમણે  દસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી છે. ચાર ગાયો પણ ઉછેરી છે. ગાયના છાણ, મૂત્ર, છાસ અને ચણાનો લોટ વગેરેમાંથી જીવામૃત અને દવા બનાવે છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ તેઓ કાર્યશાળા પણ યોજે છે.  
તેમણે કહ્યું કે, મેં મગફળીના પાકની સાથે ગલગોટાના ફૂલનું વાવેતર કર્યું હતું. તેની પાક પર સારી અસર પડી છે. મગફળીનો રંગ એકદમ સરસ જોવા મળ્યો હતો. પાકની વૈવિધ્યતાને લીધે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે. મગફળી ઉપરાંત તેમના ખેતરમાં મરચીનું વાવેતર પણ થયું છે. મરચાંનું અથાણું, પાઉડતર તથા મગફળીનું તેલ પણ ઘેર જ કાઢીને મૂલ્યવર્ધિત કરવાનું કામકાજ તે કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer