આઠ જીઆઇડીસીમાં રૂા. 17,000 કરોડનું મૂડીરોકાણ થશે

આઠ જીઆઇડીસીમાં રૂા. 17,000 કરોડનું મૂડીરોકાણ થશે
અનલોકિંગ શરૂ થતાં રોકાણની પ્રક્રિયા આગળ ધપશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 અૉક્ટો. 
ગુજરાતમાં અનલોકની પ્રક્રિયા ચાલુ થઇ છે ત્યારે હવે ઔદ્યોગિક વસાહતો વિકસાવવાની કામગીરી પણ ફરીથી શરૂ થઇ જવાની છે. ગુજરાતના ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન મારફતે 2152 હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે છૂટી કરવામાં આવેલી છે. ગુજરાતમાં કુલ આઠ જીઆઇડીસીઓ બનવાની છે. એમાં રૂા. 17300 કરોડનું રોકાણ આવશે તેવી માહિતી અખિલ ભારત ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ મહેશ રુડાચે આપી હતી. 
તેમણે કહ્યું કે, મહામારીને ધ્યાનમા રાખીને આત્મ નિર્ભર યોજનાનો અમલ સરકારે શરુ કર્યો છે. ત્યારે નવા ઉદ્યોગ સાહસિકો અને રોજગારી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નવી વિકસિત થનારી આઠ જીઆઇડીસીઓમાં પણ અનેક નવા ઉદ્યોગો આવશે. 
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વડોદ પાસે 371 હેક્ટરમાં જીઆઇડીસી બનવાની છે એમાં રૂા. 8 હજાર કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે.  
નવી બનનારી જીઆઇડીસીઓમાં અમદાવાદના વિરમગામ પાસે ભગાપુરામાં 300 હેક્ટર જમીનમાં રૂા. 7 હજાર કરોડનું રોકાણ થવાનું છે. ભરુચના વાગરા પાસે પખાજણ-લીંબડી-અભેટા વિસ્તારમાં 400 હેક્ટરની જીઆઇડીસી પ્રસ્તાવિત છે. ત્યાં રૂા. 700 કરોડનું રોકાણ થવાનું છે. જંબુસરમાં બાકરપુર આસપાસના વિસ્તારમાં રૂા. 1000 કરોડ કરતાં વધારે રોકાણ સાથે 400 હેક્ટરમાં જીઆઇડીસી બનશે. દાહોજના ખરેડી ગામ પાસે 60 હેક્ટર જમીનમાં રૂા. 100 કરોડનું રોકાણ થશે. 
સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક નાગલપર ગામમાં 136 હેક્ટરમાં મેડિકલ ડિવાઇસ પાર્ક બનાવવાનું આયોજન કરાયું છે. એમાં રૂા. 400 કરોડનું રોકાણ થવાનું છે. ભાવનગર જિલ્લાના નારી ગામ પાસે 60 હેક્ટર જમીનમાં રૂા. 100 કરોડનું રોકાણ થશે. જ્યારે નવામાઢિયા ગામ પાસે 300 હેક્ટરમાં રૂા. 500 કરોડના રોકાણ સાથે ઉદ્યોગોને આવવા આમંત્રણ અપાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer