સોનાની આયાતમાં 57 ટકા અને ચાંદીમાં 63 ટકાનો ઘટાડો

સોનાની આયાતમાં 57 ટકા અને ચાંદીમાં 63 ટકાનો ઘટાડો
રત્નો અને આભૂષણોની નિકાસ 20-25 ઘટવાની ધારણા
નવી દિલ્હી, તા. 20 ઓક્ટો. 
સોનાની આયાત એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન વર્ષાનુવર્ષ 57 ટકા ઘટી ગઈ છે. કોરોના મહામારીને પગલે આભૂષણોની માગ ઘટી જવાથી સોનાની આયાત ગત વર્ષના 15.8 અબજ ડોલર (રૂ. 1,10,259 કરોડ)થી ઘટીને 6.8 અબજ ડોલર (રૂ. 50,658 કરોડ) થઇ છે એમ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે.  
એ જ રીતે ચાંદીની આયાત એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન વર્ષાનુવર્ષ 63.4 ટકા ઘટીને 73.36 અબજ ડોલર (રૂ. 5543 કરોડ) થઇ છે.  
સોના અને ચાંદીની આયાતમાં થયેલા ઘટાડાએ દેશની વેપારખાધ ઓછી કરવામાં નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. આ વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બરમાં વેપારખાધ (માલસામાનની આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) ગત વર્ષના 88.92 અબજ ડોલરથી ઘટીને 23.22 અબજ ડોલર થઇ છે.  
ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. દર વર્ષે અહીં 800-900 ટન સોનુ આયાત કરાય છે. 
આયાતી સોનુ મુખ્યત્વે આભૂષણો બનાવવામાં વપરાય છે.   
કોરોનાને લીધે માગ ઓછી થઇ જવાથી એપ્રિલ-સપ્ટેમ્બરમાં રત્નો અને આભૂષણોની નિકાસ 55 ટકા ઘટીને 8.7 અબજ ડોલર થઇ ગઈ હતી. હીરાની નિકાસ વર્ષાનુવર્ષ 37 ટકા ઘટીને 5.5 અબજ ડોલર થઇ હતી.  
2020-21ના સમગ્ર વર્ષમાં રત્નો અને આભૂષણોની નિકાસ ગત વર્ષની સરખામણીમાં 20-25 ઘટવાનો અંદાજ જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે વ્યક્ત કર્યો છે. 2019-20માં દેશમાંથી રૂ. 2.52 લાખ કરોડના હીરા અને ઝવેરાતની નિકાસ થઇ હતી, એમ કાઉન્સિલના આંકડા જણાવે છે.   
હવે કોરોનાનો પ્રભાવ ઓછો થતો હોવાથી માગ ધીમે ધીમે સુધરી રહી છે અને આવતે વર્ષે (2021-22માં) નિકાસ વધીને ફરીથી 2019-20ના સ્તરે પહોંચે એવી ઉદ્યોગને આશા છે, એમ જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ કોલીન શાહે કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer