રૂનું ઉત્પાદન વધીને 360 લાખ ગાંસડી થવાનો અંદાજ : સીએઆઈ

રૂનું ઉત્પાદન વધીને 360 લાખ ગાંસડી થવાનો અંદાજ : સીએઆઈ
પાછલી સિઝન કરતાં 48 લાખ ગાંસડીનો વધારો 
આયાત ઘટીને 15.50 લાખ અને નિકાસ વધીને 50 લાખ ગાંસડી થઈ હોવાનું અનુમાન 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 અૉક્ટો. 
કોટન ઍસોસીએશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)એ સપ્ટેમ્બર-20ને અંતે પૂરા થયેલા 2019-2020ના સિઝન વર્ષમાં દેશમાં રૂનું કુલ ઉત્પાદન 48 લાખ ગાંસડી વધીને 360 લાખ ગાંસડી થયું હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. વર્ષ 2018-2019માં ઉત્પાદન 312 લાખ ગાંસડી થયું હતું. 2019-2020 માટે સંસ્થાએ જુલાઈ-20ને અંતે રૂના ઉત્પાદનનો અંદાજ સુધારીને 354.50 લાખ ગાંસડી મૂક્યો હતો. તેમાં હવે વધુ 5.50 લાખ ગાંસડીનો ઉમેરો કરવામાં આવ્યો છે.  
સેન્ટ્રલ ઝોનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઉત્પાદન વધ્યું હોવાથી લક્ષ્યાંક વધારવામાં આવ્યો છે. તેલંગાણામાં ઉત્પાદનમાં સુધારો અને કર્ણાટકમાં ઘટાડો થતા દક્ષિણ ઝોનમાં કુલ ઉત્પાદન સ્થિર કક્ષાએ જળવાઈ રહ્યું હતું. સીએઆઈના તાજા આંકડા અનુસાર સિઝન વર્ષ 2019-2020માં (વર્ષ 2018-2019)માં ઉઘડતો સ્ટૉક 32 (33) લાખ ગાંસડી, રૂનું ઉત્પાદન 360 (312) લાખ ગાંસડી, આયાત 15.50 (32.00) લાખ ગાંસડી સાથે કુલ પુરવઠો 407.50 (377.00) લાખ ગાંસડી રહ્યો હતો. સામે કુલ સ્થાનિક વપરાશ 250 (311.50) લાખ ગાંસડી અને નિકાસ 50.00 (42.00) લાખ ગાંસડી સાથે 300 (353.50) લાખ ગાંસડીના નિકાલ અંદાજતાં સપ્ટેમ્બરે અંતે ક્લાઝિંગ સ્ટૉક 107.50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ કરવામાં આવ્યો હતો. 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્ચ-20 પછીના કોરોના મહામારીના લોકડાઉનના લાંબાસમયના કપરાકાળમાં પણ કોટન કોર્પોરેશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 107 લાખ લાખ ગાંસડી રૂના ખરીદી કરીને અને સામે માર્કેટ પ્રવાહની સમકક્ષ ડિસ્કાઉન્ટ સ્કીમ સામે રૂના વેચાણનો અભિગમ અપનાવતા ટેક્સ્ટાઇલ વેલ્યૂ ચેઇનના રૂ વપરાશકાર ઘટકોને ઘણી મોટી રાહત મળી હતી. સીસીઆઈએ એમએસથી ભાવે ખરીદેલો લગભગ અડધો જથ્થો તો સપ્ટેમ્બર-20 સુધીમાં વેચી નાખવામાં સફળતા મેળવી હતી.  
2020-2021 સિઝન વર્ષ માટે રૂનો વાવેતર વિસ્તાર સાધારણ વધ્યો છે. પરિણામે ઉત્પાદન પણ વધવાની આશા છે. સીસીઆઈએ આ વર્ષના સુધારિત વધેલા લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરવાનું આરંભી દીધું છે. વિશ્વ બજારમાં તાજેતરના સુધારા પાછળ સ્થાનિક બજાર પણ સુધરી છે. તેમ છતાં ભારતનું રૂ વિશ્વ બજારમાં હજી પણ સૌથી સસ્તું ગણાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer