ખાદ્યતેલોના ભાવ વધતાં સરકારની ચિંતા વધી

નવી દિલ્હી, તા. 20 નવે.
ખાદ્યતેલોના સતત વધી રહેલા ભાવ સરકાર માટે ચિંતાનો વિષય બન્યા છે. સીંગતેલ, રાયડો, વનસ્પતિ, સોયાબીન, સન ફ્લાવર અને પામતેલના ભાવમાં વાર્ષિક ધોરણે 20થી 30 ટકાનો વધારો થયો છે. સોયાબીન, સન ફ્લાવર અને પામતેલના કાચા માલના ભાવમાં વધારો થવાથી આ ઊછાળો આવ્યો છે.
ગૃહપ્રધાન અમિત શાહના નેજા હેઠળ મળેલી પ્રધાનોના સમૂહની બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. કાંદાની 30,000 ટનની આયાત કરવામાં આવતાં તેના ભાવ ઘટયા છે જ્યારે બટેટાના ભાવમાં સ્થિરતા આવી છે પણ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોવાનું પ્રધાનોના સમૂહે આ ચર્ચા દરમિયાન અમિત શાહને જણાવ્યું હતું.
ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ રાયના તેલનો ભાવ એક વર્ષ પહેલાં લિટર દીઠ રૂા.100 હતો તે વધીને અત્યારે રૂા.120 થયો છે. તેવી  જ રીતે વનસ્પતિ તેલના ભાવમાં કિલોએ રૂા.25નો વધારો થયો છે. એક વર્ષ પહેલા તેનો ભાવ રૂા. 75.25 હતો. તે પ્રમાણે સોયાબીનના તેલનો ભાવ લિટરે રૂા.20 વધ્યો છે. સન ફ્લાવર તેલના ભાવમાં પણ લિટર દીઠ રૂા. 20 નો વધારો થયો છે. 
મલેશિયામાં પામતેલના ઉત્પાદનમાં થયેલા ભારે ઘટાડાના કારણે વિવિધ તેલના ભાવમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer