મહામારી સામેના જંગમાં કિસાનો રાષ્ટ્રધર્મ બજાવે

કોરોના મહામારીએ બીજો હુમલો શરૂ કર્યો છે - દિલ્હી અને ગુજરાતમાં કેસ વધી રહ્યા છે. ફરીથી લૉકડાઉન અને કર્ફ્યુ - ઘરબંધી થઈ રહી છે. યુદ્ધના વાતાવરણમાં દેશભરમાં એકતા હોવી જોઈએ તેના બદલે આંતરિક લડાઈ થઈ રહી છે! કપરા સંજોગોમાં દેશના કિસાનો સૌથી વધુ યોગદાન આપતા હોય છે અને તેથી જય જવાન-જય કિસાનનો મંત્ર આપણે અપનાવ્યો છે પણ અત્યારે કિસાનોનો એક વર્ગ રાજકારણીઓ અને મોટા જમીનદાર - કિસાનોના હાથમાં રમી રહ્યો છે. 26મી નવેમ્બરે સંસદ ભવન સામે દેખાવો કરનાર છે અને જો દિલ્હી-દરવાજા બંધ થાય તો આસપાસના માર્ગો જામ કરવાની ધમકી આપી છે. કૃષિ સુધારાનો વિરોધ બંધ કરીને રાષ્ટ્રીય એકતાથી મહામારીનો સામનો કરવાનો આ સમય છે. કિસાનો હવે રાષ્ટ્રધર્મ બજાવે એવી આશા રાખીએ.
નોંધપાત્ર છે કે વ્યાપારી વર્ગ સ્વદેશી ભાવનાથી સક્રિય છે.
રાજકીય નેતાઓને પણ સત્તાકારણ સિવાય મતલબ નથી! બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-એનડીએ વિજય પછી સંઘર્ષની હવા જમાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. બંગાળમાં હિંસાખોરી શરૂ થઈ છે.
મહામારીના પ્રથમ રાઉન્ડ પછી લૉકડાઉન ઉઠાવી લેવાની શરૂઆત થઈ અને તહેવાર-દિવાળી આવતાં ઉત્સવના ઉત્સાહમાં લોકો ભાન ભૂલ્યા. ટોળાંશાહીમાં સામાજિક અંતર અને માસ્ક ભૂલાયાં તેથી બીજો રાઉન્ડ ફેબ્રુઆરીના બદલે જલદી શરૂ થયો. મુંબઈમાં લૉકલ ટ્રેન વ્યવહાર નિયંત્રિત હોવા છતાં ભીડભાડ શરૂ થઈ ગઈ છે. અર્થતંત્ર માટે રોજિંદો વાહન વ્યવહાર અનિવાર્ય છે - પણ મુંબઈમાં જે આગોતરી સાવધાની રાખવામાં આવી છે તે હવે જારી રખાશે તો જ બીજા રાઉન્ડને રોકી શકાશે. દિલ્હીના અનુભવથી દેશભરમાં સાવધાની રાખવી જરૂરી છે. વિશ્વભરમાં - અમેરિકા અને યુરોપમાં મહામારીનો માર ભયાનક છે છતાં લોકો લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા છે તે આશ્ચર્ય છે જ્યારે ગુજરાતમાં વ્યાપારીઓ સ્વૈચ્છિક લૉકડાઉન કરીને શાસનને સહકાર આપી રહ્યા છે તેની નોંધ લેવી જોઈએ.
કોરોના સામે વૅક્સિનની શોધ અને પ્રયોગ ઝડપી બન્યા છે અને વર્ષની આખર સુધીમાં તેના લાભની શરૂઆત થવાની ધારણા છે. ભારત સરકારે આ માટે તૈયારી કરી છે પણ સમસ્ત જનતાને આવરી લેવામાં મહિનાઓ લાગશે. આ સંજોગોમાં વૅક્સિન-રસીના નામે શૅરબજાર ભલે ખુશી વ્યક્ત કરે, લોકોએ થોડા વધુ મહિના રાહ જોવાની છે - માત્ર વૅક્સિનના સમાચારથી કોરોના કાબૂમાં આવી જાય છે, મુક્તિ મળે છે એમ માની લેવાની ભૂલ કરાય નહીં... જનતાના સહકાર વિના કોઈ સરકાર સફળ થઈ શકે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer