સીસીઆઇ દ્વારા સૌરાષ્ટ્રમાં કપાસની ખરીદીનો આરંભ

સીસીઆઇ દ્વારા સૌરાષ્ટ્રમાં કપાસની ખરીદીનો આરંભ
કપાસની આવક પાંખી : ફક્ત 50-60 ગાંસડી મળી 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 નવે. 
ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રુની ખરીદીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. લાભપાંચમના દિવસે સીસીઆઇ દ્વારા કુલ ચાર કેન્દ્રો પરથી ખરીદીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. અલબત્ત માર્કેટ યાર્ડમાં ઉંચા ભાવ અને હજુ ભાવ વધશે તેવો આશાવાદ ખેડૂતોને હોવાથી સીસીઆઇને પ્રથમ દિવસે નગણ્ય માલ મળ્યો હતો. 
ગયા વર્ષમાં સીસીઆઇએ સૌરાષ્ટ્ર અને ગુજરાત એમ બન્ને રિજીયનમાં કુલ મળીને 11 લાખ ગાંસડીની ટેકાના ભાવથી ખરીદી કરી હતી. હવે નવી સીઝનની ખરીદીનો પ્રારંભ સૌરાષ્ટ્રમાં થઇ ગયો છે તેમ રાજકોટ સ્થિત સીસીઆઇ કચેરીના સૂત્રોએ કહ્યું હતુ. અલબત્ત ગુજરાત તરફ છેલ્લાં 20 દિવસથી ધીમી ગતિએ ખરીદી શરું થઇ ચૂકી છે. ગુજરાત તરફ સાતથી આઠ કેન્દ્રો ચાલે છે અને આશરે 15 હજાર જેટલી ગાંસડીઓ ખરીદ કરવામાં આવી છે. 
સૌરાષ્ટ્રમાં પ્રથમ દિવસે મોરબી, રાજકોટ, બોટાદ અને વાંકાનેર એમ ચાર જ કેન્દ્રો ખૂલી શક્યા હતા. જ્યાંથી કુલ 55થી 60 ગાંસડી રુ સંસ્થાને રુ. 1165ના ટેકાના ભાવથી મળ્યું છે. 
સૂત્રો કહે છે, સૌરાષ્ટ્રમાં કુલ 43 ખરીદ કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે. એમાંથી ચાર શરું થયા છે. ચાલુ વર્ષથી ફાયર સેફ્ટીનું એનઓસી ફરજિયાત છે. જે મોટાંભાગના કેન્દ્રો પાસે નથી પણ હવે ધીરે ધીરે એનઓસી મેળવાઇ રહ્યા છે એટલે હવે કેન્દ્રોની સંખ્યા વધશે. તેમણે ઉમેર્યું કે, એનઓસી લગભગ 23થી 24 કેન્દ્રો પાસે આવી ગયું છે. બાકીના કેન્દ્રોમાં હવે આવશે.  
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં કપાસનો ભાવ મણે સરેરાશ રુ. 950-1180 સુધી બોલાય છે. સરકારે કપાસનો ટેકાનો ભાવ રુ. 1165 નક્કી કર્યો છે. અલબત્ત એક હજારથી નીચેના ભાવે વેચાતા કપાસમાં માઇક અને ભેજનું પ્રમાણ સીસીઆઇના ધારાધોરણ પ્રમાણે હોતું નથી છતાં ખૂલ્લા બજારમાં સારો ભાવ પ્રાપ્ત થતો હોવાનું ખેડૂત આલમમાંથી જાણવા મળે છે. 
દિવાળીની છ દિવસની રજા પછી સૌરાષ્ટ્રમાં કપાસની આવક 1.10 લાખ મણ જ થઇ શકી હતી. ખેડૂતો હજુ રજાના મૂડમાં છે એટલે આવકો ઓછી હતી. જોકે સોમવારથી કપાસની આવક વેગ પકડશે એમ જણાય છે. સીસીઆઇના અધિકારીના કહેવા પ્રમાણે કપાસ વેંચતીવેળા સાત બારના ઉતારામાં કપાસ દર્શાવેલો હોય તે આવશ્યક છે પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં મોટેભાગે પત્રકમાં કપાસ બતાવવામાં આવતો નથી. એ સમયે મોટી સમસ્યા સર્જાય છે. 
મગફળીની જેમ કપાસની ખરીદીમાં નોંધણી આવશ્યક નથી. ફક્ત ખેડૂતોએ નજીકની એપીએમસીમાં જવાનું છે. સીસીઆઇના નિયમ પ્રમાણે કપાસમાં  ભેજ ની ટકાવારી 8 ટકા છે. જેનાથી વધારે ભેજ હશે તો દરેક 1 ટકાએ 11 રૂપિયા અને 55 પૈસા ઓછા આપવામાં આવશે પરંતુ 12 ટકા થી વધારે ભેજ હશે તો ખરીદી કરવામાં નહીં આવે.  જો 8%થી ઓછો ભેજ હશે તો 11 રૂપિયા અને 55 પૈસા વધારે ચૂકવવામાં આવશે. ખરીદીના રૂપિયા મોડામાં મોડા 10 દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં આવી જશે. ખેડૂતોએ સાત-બારના ઉતારા  અને 8અ બેંકની પાસબુક ની નકલ અને આધારકાર્ડ પૂરાવા તરીકે આપવાના રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer