ખેડૂતો જાતે જ બી વિકસાવવા લાગતાં બિયારણ કંપનીઓ ચિંતામાં

ખેડૂતો જાતે જ બી વિકસાવવા લાગતાં બિયારણ કંપનીઓ ચિંતામાં
પુણે, તા. 20 નવે.
સોયાબીન અને કાંદાના ખેડૂતોએ મોટા પાયા પર પોતાનું જ બિયારણ વિકસાવવાનું શરૂ કરતાં બિયારણ કંપનીઓ ચિંતામાં પડી છે.
આ વર્ષના જુલાઈમાં સોયાબીનના બિયારણના અંકુર ન ફૂટતાં ખેડૂતોએ જાતે જ બિયારણ વિકસાવવાનો નિર્ણય લીધો હતો જેથી તેમણે ખાનગી કંપનીઓ પર આધાર ન રાખવો પડે. હવે ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો પણ તેમને ટકો આપી રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારનો કૃષિ વિભાગ પણ સોયાબીનના ખેડૂતોને બિયારણ વિકસાવવા પ્રોત્સાહન આપી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સોયાબીનના બિયારણનો 60 ટકા વેપાર ખાનગી બિયારણ કંપનીઓના હાથમાં છે.
કેટલાક અહેવાલો મુજબ ખરીફ મોસમમાં વાવણી માટે આશરે 30 લાખ ક્વિન્ટલ સોયાબીનની જરૂર પડે છે. કૃષિ વિભાગ ઈચ્છે છે કે ખેડૂતો શક્ય તેટલું બિયારણ જાતે જ તૈયાર કરી લે. અધિકારીઓના જણાવવા અનુસાર ખેડૂતો આશરે 10-12 લાખ ક્વિન્ટલ બિયારણ જાતે પકવી લે છે અને બાકીના માટે ખાનગી કંપનીઓ પર આધાર રાખે છે.
હવે કાંદાના ખેડૂતો પણ સોયાબીન ખેડૂતોના રાહ પર ચાલી રહ્યા છે. તાજેતરમાં કાંદાના ખેડૂતોએ કિલોના રૂા. 3200- 3500ના ભાવે બી ખરીદ્યાં. ગયે વર્ષે રૂા. 1700નો ભાવ હતો. નેશનલ હોર્ટિકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન રૂા. 2200ના ભાવે બિયારણ વેચતું હતું. મહારાષ્ટ્રના ખેડૂતો ફાઉન્ડેશન પાસેથી બી તો જ ખરીદે જો એમના સાથી ખેડૂતો પાસેથી બી મળે તેમ ન હોય. ખેડૂતોનો આક્ષેપ છે કે બિયારણ કંપની ભાવ ઊંચા રાખવા બજારમાં પુરવઠાની કૃત્રિમ ખેંચ ઊભી કરે છે.
હવે નાશિક પંથકના ખેડૂતો એકમેકને બિયારણ પ્લોટ વિકસાવવા ઉત્તેજન આપી રહ્યા છે જેથી બિયારણ કંપનીઓ પરનું અવલંબન ઘટાડી શકાય.
જોકે બિયારણ કંપનીઓએ સાવચેતીભર્યો પ્રતિસાદ આપતાં કહ્યું છે કે આ હિલચાલ તેમના માટે નુકસાનકારક હોવા છતાં તેઓ ખેડૂતો બિયારણ વિકસાવે તેની વિરુદ્ધ નથી. ``િબયારણ કંપનીઓ માટે બજારમાં ધંધો કરવાનો પૂરતો અવકાશ છે,'' એમ સીડ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અૉફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ. બી. વાનખેડેએ કહ્યું હતું. જોકે અંદરખાતેથી ઘણી કંપનીઓ ખેડૂતોની હિલચાલના સૂચિતાર્થોથી ચિંતિત છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer