અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 27 નવે.
સુરતમાં લીલા જુવારના આંધળી વાનીના પોંકનું આગમન શરૂ થઇ ચૂક્યું છે. વડોદરાના કરજણનો પોંક આવ્યો છે. સપ્તાહમાં બારડોલીનો પ્રસિદ્ધ પોંક આવી જશે. આ વર્ષે શરૂઆતથી જ પોંકના ભાવમાં પ્રતિ કિલો રૂા. 100નો વધારો થયો છે. ડીસેમ્બરનાં અંત સુધી ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના ઓછી છે.
સુરતના જમણની પ્રસિદ્ધ કહેવત શિયાળાની શરૂઆતની સાથે જ યર્થાથ ઠરે છે. અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વસતાં ગુજરાતીઓ દર વર્ષે ભારત આવે ત્યારે સુરતનું ઉંધિયું, પોંક, લોચો, ઘારી, ફેમસ લીલવાનું શાક આરોગવા માટે આવે છે. આ વખતે કોરોનાને લીધે એનઆરઆઇનું આગમન ઓછું છે. પરંતુ, લોકોમાં લીલાં શાકભાજીના ચટાકેદાર ઉંધિયાની લહેજત માણવાનો ઉત્સાહ અકબંધ છે. જુવારનો લીલો પોંક અને તેના ગરમા-ગરમ વડા આરોગવા માટે મુંબઇ, અમદાવાદ સહિતના શહેરોમાંથી લોકો ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં આવતા હોય છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં આજુબાજુનાં દિવસોમાં ખાસ મુંબઇ, અમદાવાદ, વડોદરા, દિલ્હીવાસીઓ સુરતના મહેમાન બનતા હોય છે. આ વખતે કોરોનાને લીધે મુશ્કેલ સ્થિતિ છે.
આંધળી વાનીના પોંકની સાથે લીંબુ-મરીની સેવની લહેજત માણવાની આગવી સ્ટાઇલ સુરતીઓની છે. લીલા લસણ, આદુ-મરચાંથી ભરપૂર વડાને આરોગવા માટે લોકો પોંકવડાના સ્ટોલ પર લાઇનો લગાવતા હોય છે. સુરત મનપા દ્વારા આયોજીત ફુડ સ્ટોલમાં પણ ખાસ પોંકવડાના સ્ટોલ શરૂ થતા હોય છે. જો કે, આ વર્ષે કોરોનાકાળને કારણે ઉજવણીમાં ભંગ પડ્યો છે. છતાં લોકોએ શહેરનાં કેટલાક વિસ્તારમાં શરૂ થયેલાં પોંકવડાના સ્ટોલ પર લીલા પોંક, વડા, લીંબુ મરીની સેવની ખરીદી શરૂ કરી છે.
શ્રીનાથજી પોંકવડાના દિપક વિરાણીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 20 વર્ષથી પોંકનું વેચાણ કરીએ છે. શિયાળીની શરૂઆત સાથે શહેરમાં પહેલો પોંક વેચવો એ અમારી ઓળખ છે. તેને જાળવી રાખવા માટે ઓક્ટોબર માસ પુરો થાય તે પહેલા જ વડોદરાના કરજણના ખેતરોમાં પોંકની જુવાર ક્યા ખેતરમાં લાગેલી છે. તેની તપાસ કરી જે ખેતરમાં જુવાર હોય ત્યાંથી ડુંડા લાવી સુરતમાં પોંક વેચાણની સૌથી પહેલા શરૂ કરીએ છીએ. જો કે, કરજણનો પોંક ઓછો આવે છે. સુરતમાં બારડોલીનો પોંક વધુ વેચાય છે. શિયાળો જામતા લોકોની ડીમાન્ડ વધુ થઇ છે પરંતુ તેની સામે પોંકની આવક ઓછી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે પોંકનો ભાવ પ્રતિ કિલો. રૂ.500 હતો. જે આ વખતે વધીને રૂ.600 થયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવોમાં વધારો થયો છે. દિવસ દરમ્યાન લોકોની ઘરાકી સારી રહે છે. પરંતુ, હાલ શહેરમાં રાત્રી કફર્યૂ હોવાના કારણે રાત્રિના વેચાણને અસર થઇ છે. બહારગામથી આવતા લોકોની સંખ્યાને પણ અસર પહોંચી છે. અમારું માનવું છે કે, જાન્યુઆરીના મઘ્ય સુધીમાં ભાવમાં ઘટાડો થઇ શકે છે. હાલમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
શહેરમાં કેટલાક વખતથી પોંકની ભઠ્ઠીની સંખ્યામાં ઘટાડો થતા જોવા મળી રહ્યો છે. સુરતની પોંક નગરીમાં નવેમ્બર માસના અંત સુધીમાં પોંકનું વેચાણ શરૂ થાય છે પણ હજુ સ્ટોલ ખુલ્યા નથી. કતારગામ વિસ્તારમાં નવેમ્બર માસની શરૂઆતથી પોંકનું વેચાણ શરૂ થઇ ગયું છે. ઘોડદોડ રોડના દત્તાત્રેય પોંકના અલ્પેશ ભંડારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પોંકનું આગમન મોડું થયું છે. અમે ડિસેમ્બર માસના પહેલા સપ્તાહથી બારડોલીના પોંકનું વેચાણ શરૂ કરીશું.