વૅક્સિનના આશાવાદથી સોનું નરમ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 27 નવે. 

કોરોના વેક્સિન ઝડપથી બજારમાં આવી જશે અને આર્થિક રિકવરી પણ તેના કારણે ધારણા કરતા વહેલી આવવા લાગશે તેવો આશાવાદ જાગતા સોનામાં ભારે વેચવાલીનો દોર ચાલી રહ્યો છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ વધુ તૂટતા 1807 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. ચાંદી 23.18 ડોલરના સ્તરે હતી. ચાલુ સપ્તાહમાં સોનામાં મોટાં કડાકા સર્જાવાને લીધે બે માસમાં સૌથી નબળું અઠવાડિયું સાબિત થયું છે. રોકાણકારો હવે આ સલામત રોકાણમાંથી બહાર આવી રહ્યા છે. 

સીએમસી માર્કેટસ યુકેના વિશ્લેષક કહે છે, સોનું 1800 ડોલરનું સ્તર શુક્રવારે તોડી નાંખે તો વધુ ઘટાડામાં 1760 સુધી જઇ શકે છે. કોરોના વેક્સિનને લઇને હવે લોકો ભારે આશાવાદી બની ગયા છે એ કારણે સોનાના ભાવ પર દબાણ સર્જાયું છે. એસ્ટ્રાઝેનેકાએ વિકસાવેલી કોરોના વેક્સિન આખા વિશ્વ માટે હશે કારણકે તે લોકોને પરવડે એવા ભાવથી મળશે તેવી જાહેરાત પછી સોનાની તેજીના પાયા હલી ગયા છે. 

કેટલાક વિશ્લેષકો કહે છે, વેક્સિનની અસરકારકતા હજુ તપાસ માગી લે તેમ છે પણ અત્યારે સૌને વેક્સિન દેખાય રહી છે. ડોલરના મૂલ્યમાં આજે ઘટાડો થયો હતો. એ કારણે સોનાની મંદીનો વેગ ધીમો પડ્યો છે. ટ્રમ્પ સાશન બાદ હવે બિડેનનો પદગ્રહણ સરળતાથી થઇ જશે એટલે હળવાશ થઇ છે. 

રોસ નોર્મન નામના વિશ્લેષકનું કહેવુ છેકે, સોનામાં ટૂંકાગાળામાં નરમાઇની ચાર રહેશે તેવું દેખાય છે. આવનારા દિવસોમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા છે. જોકે લાંબાગાળામાં ભવિષ્ય ઉજળું છે કારણકે વ્ચાજદરો નીચાં છે અને ફુગાવો વધવાનો ભય છે. 

દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 50800ની સપાટીએ જળવાયેલો હતો. મુંબઇમાં સોનું રૂા. 143ના ઘટાડામાં  રૂા. 48829 હતુ. ચાંદી સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 61000, મુંબઇમાં રૂા. 191 ઘટતા રૂા. 60069 હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer