દેશી રમકડાં ઉદ્યોજકો ટેસ્ટિંગ કિટ્સની અછતથી પરેશાન

અમારા પ્રતિનિધિ તરફથી   
મુંબઈ, તા. 27 નવેં.  
સ્વદેશી રમકડા ઉદ્યોજકોને બીઆઈએસ ધોરણોના પાલન માટે જરૂરી એવા ટેસ્ટીંગ કિટ્સની અછત પરેશાન કરી રહી છે. અગાઉ ઓગષ્ટમાં જ અનેક અનુભવી રમકડા ઉદ્યોજકોએ 'વ્યાપાર'ને જણાવ્યું હતું કે ભારતમાં બીઆઈએસ ટેસ્ટીંગ કિટ્સનું ઉત્પાદન નહિવત્ થતું હોવાથી બીઆઈએસ ધોરણો તાત્કાલિક ફરજીયાત કરી દેવાનો નિર્ણય ભૂલભરેલો છે. આ ઉતાવળિયા નિર્ણયના પરિણામો હવે સામે આવી રહ્યાં છે. એક સ્થાનિક અગ્રણી શૈક્ષણિક રમકડા ઉદ્યોજકે જણાવ્યું હતું કે ટેસ્ટીંગ કિટ્સના સપ્ટેમ્બરમાં આપેલા ઓર્ડરની ડિલીવરી અમને બે મહિના પછી શનિવારે મળી છે. હવે અમે અમારી બીઆઈએસની અગાઉ રદ કરાયેલી અરજીને પુન: ફરી સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે વધુપડતી ઉતાવળ થઇ ગઈ હોવાનું પ્રતિત થઇ રહ્યું છે.   
ઉલ્લેખનીય છે કે રમકડા ઉદ્યોગ માટે ઓક્ટોબર 2020થી બીઆઈએસ ધોરણો ફરજીયાત બનાવવાના નિર્ણયનો અમલ હવે 1 જાન્યુઆરી 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે હાલની પરિસ્થિતિ જોતાં આ સમયમર્યાદા ફરી વધારવી પડશે એમ અનેક ઉદયોજકોનું કહેવું છે. દેશી રમકડાં બનાવતાં કુલ 400-450 એકમો પૈકી ગણ્યાગાંઠયા એકમો જ ટેસ્ટિગ સાથે ઉત્પાદન શરૂ કરવાની સ્થિતિમાં છે.  
માત્ર ટેસ્ટિગ કિટ્સ મળવાથી તેમની સમસ્યા ઉકેલાઈ જતી નથી. ટેસ્ટિગ કિટ્સ મેળવયક પછી લેબોરેટરી ટેક્નિશિયન અને જરૂરી સામગ્રી અને રસાયણોનો સતત પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તો જ તમામ સ્વદેશી રમકડાં ઉદ્યોજકો બીઆઈએસ માનકવાળા રમકડાં બનાવી શકશે. જો કે અત્યાર સુધીની સ્થિતિ ધ્યાને લેતાં એમ કહી શકાય કે બીઆઈએસ નિયામક, કેન્દ્રની એજન્સીઓ અને એમએસએમઈ મંત્રાલય આ મુદ્દે સંપૂર્ણ ગંભીરતાથી કામ કરી રહ્યા છે અને ઉદ્યોજકોને સહકાર આપે છે જે સારી બાબત ગણાય એમ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer