નવી દિલ્હી, તા. 27 નવે.
તાજેતરના કૃષિ સુધારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે હરિયાણા સરહદે આજે સવારે અથડામણ થયા બાદ તેમને દિલ્હી પ્રવેશવાની અનુમતી અપાઈ હતી. પોલીસની દોરવણી નીચે ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી શકશે એવી જાહેરાત બાદ પણ ટોળાંને કાબૂમાં લેવા માટે અશ્રુવાયુ અને પાણીનો મારો ચાલુ રહ્યો હતો. પોલીસ કાર્યવાહીમાં કેટલાક ખેડૂતોને ઈજા થઈ હતી.
ટ્રેક્ટરોમાં ખોરાક અને આવશ્યક સરસામાન ભરીને હજારો ખેડૂતોએ કાંટાળા તારવાળી આડશો અને ચાવીરૂપ માર્ગો નજીક ખોદાયેલી ખાઈઓને ગણકાર્યા વગર અનેક સ્થળેથી દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઝંડા અને લાઠીઓ લઈને મોટી સંખ્યામાં ખેડૂતો આડશો સાથે ભીંસાઈ રહ્યા હતા ત્યારે કેટલાક દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસો અને ખેડૂતોની અથડામણ પાંચ કલાક ચાલી હતી.
પોલીસ અધિકારીઓએ દેખાવકારોને રોકવા માટે કોરોના સંબંધી નિયમોનો આશરો લીધો હતો. `અમે દિલ્હીના રહેવાસીઓને જોખમમાં નાખી શકીએ નહીં.' એમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું.
ખેડૂત આગેવાનોએ કોરોના સંબંધી નિયમોના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. `િબહારની ચૂંટણીમાં શું થયું હતું? કૃષિ કાયદા પસાર કરવા સંસદની બેઠક બોલાવાઈ હતી ત્યારે શું થયું હતું? અમે કોરોનાથી ગભરાતા નથી. આ કાયદા કોરોનાથી પણ ખરાબ છે.' એમ એક ખેડૂતે કહ્યું હતું.
દિલ્હીમાં આવેલાં નવ સ્ટેડિયમોને ખેડૂતોની અટકાયત માટે કામચલાઉ જેલમાં ફેરવી નાખવાની પોલીસની વિનંતી આમ આદમી પાર્ટીની સરકારે નકારી કાઢી હતી.