નવી દિલ્હી, તા. 27 નવે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ દેશનો સૌથી મોટો રૂા. 24,000 કરોડનો સિવિલ કોન્ટ્રેકટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઈન્ફ્રા ક્ષેત્રની દિગ્ગજ કંપની લાર્સન ઍન્ડ ટુબ્રો (એલઍન્ડટી) સાથે કરાર કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 325 કિમી.ના બુલેટ ટ્રેન યોજનાનાં તમામ કામો વહેલી તકે પૂરા કરવા રેલવેને સૂચના આપી છે.
વડા પ્રધાને મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણની પ્રક્રિયાની રાહ જોયા વગર ગુજરાતના કામ વહેલા પૂરા કરવાની સૂચના રેલવેને આપી છે.
જપાનના ભારતસ્થિત રાજદૂત સાતોષી સુઝુકીએ જણાવ્યું કે અર્થતંત્રની ગતિવિધિ ઝડપી બનાવવાની આવશ્યકતા છે ત્યારે આ વિશાળ યોજના માટે કરાર થયા છે. આ પ્રોજેક્ટથી જપાનીઝ ટેક્નૉલૉજી ભારતને ટ્રાન્સફર થશે. એટલું જ નહીં સમગ્ર કોરિડોર સાથે શહેરી વિકાસ થશે, એમ તેમણે ઉમેર્યું હતું. રેલવે બોર્ડના સીઈઓ અને ચૅરમૅન વી. કે. યાદવે જણાવ્યું કે બુલેટ ટ્રેનનો પહેલો પ્રોજેક્ટ પૂરો થયા બાદ સરકાર આ પ્રકારના વધુ સાત પ્રોજેક્ટ હાથ ધરશે.