ઇ-બાઇક ઉપર સબસિડીની અપેક્ષાએ વેચાણ અટક્યાં

ઇ-બાઇક ઉપર સબસિડીની અપેક્ષાએ વેચાણ અટક્યાં
સરકારની માર્ગરેખાના અભાવે
નિલય ઉપાધ્યાય 
રાજકોટ, તા. 27 નવે. 
ઇલેક્ટ્રીક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત સરકારે કરેલી સબસિડીની જાહેરાતથી ઉત્પાદકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. સરકારે 18 સપ્ટેમ્બરના રોજ સબસિડી જાહેર કરી દીધી છે પણ તે કેવી રીતે મળશે અને તે માટે શું પ્રક્રિયા કરવાની તેની કોઇ માર્ગરેખા જ જાહેર નથી થઇ પરિણામે ઇલેક્ટ્રીક ટુ વ્હીલર અગાઉ વેચાઇ રહ્યા હતા તેમાં પણ ઓટ આવી ગઇ છે. હવે ખરીદનાર વર્ગ સબસિડીની રાહ જોઇને લેવા આવતો નથી. 
ગુજરાત સરકારે 17 સપ્ટેમ્બરના દિવસે નવમું ધોરણ કે તેનાથી ઉપરના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રૂા. 12 હજારની સબસિડીની જાહેરાત કરી છે. એ ઉપરાંત ઇ રિક્શા પર રૂા. 48 હજારની સબસિડી જાહેર કરી છે. જે વ્યક્તિગત ધંધાર્થીઓને લાગુ પડશે. સબસિડી પ્રથમ 10 હજાર ટુ વ્હીલરને અને પ્રથમ 5 હજાર થ્રી વ્હીલરને અપાશે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે થયેલી આ જાહેરાત પછી એક પણ ઇ-બાઇકને સબસિડીનો લાભ મળ્યો નથી તેનાથી આશ્ચર્ય ફેલાયું છે. આ મુદ્દે ઓરેવા ઇ-બાઇકના જયસુખ પટેલ કહે છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી તે સારી બાબત છે પરંતુ અઢી મહિના જેટલો સમય થવા આવ્યો છે છતાં હજુ તે અંગે કોઇ પ્રક્રિયા સરકારના મોરચે થઇ નથી. એ પૂર્વે ઝેડાએ જાહેરાત કરીને હોર્ડીગ્સ પણ લગાવી દીધાં છે. પરંતુ સબસિડીથી કોઇ બાઇક ખરીદવા આવે તો તે આપી શકાય એમ નથી. કારણકે સબસિડીની સિસ્ટમ અને પ્રક્રિયા શું કરવી એ ક્યાય સ્પષ્ટ નથી. પરિણામ એ આવ્યું છે કે, અગાઉ સબસિડી વિના વેચાતા હતા તેટલા બાઇક પણ હવે વેચાતા નથી. લોકો સબસિડી મળશે તેવી આશાએ નવી ખરીદી અટકાવી રહ્યા છે. 
તેમણે કહ્યું કે, સરકારે જાહેરાત કર્યાને બે માસ વીતી ગયા છે. હવે ડિસેમ્બરમાં અમલ થાય તો પણ માર્ચ સુધીમાં ફક્ત ત્રણથી ચાર મહિના જેટલો સમય બાકી બચશે એટલે સબસિડીની રકમ ફાજલ થવાની શક્યતા વધારે છે.  
રાજ્યમાં અત્યારે ત્રણથી ચાર ઉત્પાદકો દ્વારા ઇ બાઇકનું ઉત્પાદન કરવામાં આવે છે. આશરે 650 જેટલા ઇ બાઇક બને છે. એમાંથી ઓરેવાનો બજાર હિસ્સો આશરે 80 ટકા આસપાસનો માનવામાં આવે છે.  
સરકાર દ્વારા કરાતા ઇલેકટ્રીક વાહનોનું વેચાણ વધે તે માટે પ્રયત્નો ખોટી દિશાના હોવાનું ફલિત થઇ રહ્યું છે. સબસિડી માટે સરકારે એવી જાહેરાતો કરી છે કે તેના કારણે ઉત્પાદકોને મુશ્કેલી પડવા લાગી છે. જે વિદ્યાર્થીઓ સબસિડીનો લાભ લેવા માગતા હોય તેમણે સરકારનું ફોર્મ ડિલરને ત્યાં ભરીને આપવાનું હોય છે. ફોર્મ ઉત્પાદક પાસેથી ઝેડા પાસે અને ઝેડા પાસેથી સરકારમાં મંજૂરી માટે જાય, ફોર્મ મંજૂર થાય પછી ઈ-બાઈક વેચી શકાય છે. 
એક ડિલર કહે છે, વિદ્યાર્થીઓ તો બે ચાર ડિલરને ત્યાં બાઇક જોવા જતા હોય છે. પરિણામે દરેક જગ્યાએ ફોર્મ ભરે છે. પછી મંજૂર થઇને આવે ત્યારે તો તેણે કોઇ બીજી જ જગ્યાએથી ખરીદી પણ લીધું હોય છે. આમ સમયનો બગાડ થાય છે. તેના સ્થાને સરકારે જે વિદ્યાર્થી સબસિડીનો લાભ લેવા માગતા હોય તેની પાસેથી જરૂરી કાગળો માગીને પ્રક્રિયા પૂરી કરવી જોઇએ. બીજી તરફ ઉત્પાદકોને પણ ચોક્કસ સંખ્યામાં બાઇક વેચવાનો ક્વોટા આપી દેવો જોઇએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer