બૅન્કોનું ખાનગીકરણ વિચારાય છે ત્યારે કેટલીક બાબતો ચિંતાજનક છે
પરાશર દવે
અમદાવાદ, તા. 27 નવે.
પેઢીઓથી આપણે બેન્ક શબ્દ સાંભળતા આવ્યા છીએ. બેન્ક અને લોન શબ્દો એક બીજાના પર્યાય બની ગયા છે. હવે લાગી રહ્યુ છે કે આપણે બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા વગેરે શબ્દોને ભૂલીને અદાણી, રિલાયન્સ જેવા શબ્દો બોલતાં ટેવાવું પડશે. હવે જે રીતે પરસ્થિતિ આકાર લઇ રહી છે તે જોતા લાગે છે કે આગામી માર્ચ 2021 સુધીમાં માંધાતા કોર્પોરેટ્સ પોતાનાં બેન્ક ખોલી દેશે. અલબત્ત કહીએ તો જે બેન્કોને હજુ સુધી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) સાથે મર્જ કરવામાં નથી આવી તે બેન્કો કોર્પોરેટ્સને પધરાવી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આમ દેશમાં બેન્કિગનું ચિત્ર બદલાવાની તૈયારીમાં છે.
રિટેલ લોનમાં બેન્કો જે તે વ્યક્તિ પાસેથી ગણીને ગણીને બાકી પૈસા વસૂલ કરે છે. પરંતુ કોર્પોરેટ્સને 50 ટકાથી વધુની ખોટ ખાઇને પણ જે કંપનીઓને લોન આપી હોય તેને બેન્કો અન્ય કંપનીઓને પધરાવી રહી છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોયીઝ એસોસિયેશનના ચેરમેન રાગેશ સરૈયાએ જણાવ્યું હતુ કે અમારા સંગઠનો શ્રમ કાયદાઓમાં કરેલા સુધારા, બેન્કિગમા પેન્શનની જગ્યાએ એનપીએસ લાવવામાં આવ્યુ છે તેની સામે વિરોધ કરી રહ્યા છે તેમજ ભરતી કરવાને લઇને અમે ઘણા સમયથી માગ કરી રહ્યા છીએ. બીજી બાજુ સરકાર બેન્કોનું ખાનગીકરણ કરવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. હજુ એસબીઆઇમાં મર્જ નહી કરાયેલી બેન્કો જેમ કે ઇન્ડિયન ઓવરસિઝ બેન્ક (આઇઓબી) સેન્ટ્રલ બેન્ક, યુકો બેન્ક વગેરે જેવી પાંચ બેન્કોને અદાણી, રિલાયન્સ જેવા કોર્પોરેટ્સને આપી દેવાય તેવી શક્યતા વધી રહી છે. કાયદાની દ્રષ્ટિએ જે લોકો બિઝનેસ કરતા હોય તેમને લાયસન્સ આપી શકાય નહી. તેમ છતાં સરકારે જ આ બે માંધાતા કંપનીઓ ઉપરાંત અન્ય કોર્પોરેટ્સને લાયસન્સ આપવાનું નક્કી કર્યુ હોય તેમ લાગે છે. આ માટે આરબીઆઇએ માર્ગદર્શિકા પણ તાજેતરમાં જારી કરી છે. વધુમાં સામાન્ય રીતે ડિસેમ્બરથી માર્ચ સુધીમાં એનપીએ 7 ટકા હોય છે તે ચાલુ વર્ષે 11 ટકા સુધી આવશે તેવી શક્યતા છે.
જે કંપનીઓને બેન્કોએ લોન આપી હતી તે વસૂલવા માટે અન્ય કંપનીઓને તે વેચવામાં બેન્કોએ મોટી ખોટ ખાધી છે. તે રીતે જોઇએ તો, સૌથી વધુ ખોટ આલોક ઇન્ડસ્ટ્રીના કિસ્સામાં છે. તેની પાસેથી બેન્કોને રૂ. 30,200 કરોડ લેવાના નીકળતા હતા તેમાં 83 ટકા ખોટ ખાઇને રિલાયન્સને વેચી દેવાઇ છે. તેવી જ રીતે મોનેટ ઇસ્પાતમાં 75 ટકા, ભૂષણ સ્ટીલમાં 38 ટકા અને એસ્સારમાં 23 ટકા ખોટ ગઇ છે. બેન્કોમાં 2019-20માં રૂ. 26,016 કરોડની બેડ લોન છે.
પાંચ બૅન્કો કોર્પોરેટ્સને આપી દેવાય તેવી સંભાવના : મહા. બૅન્ક એમ્પ્લોયીઝ ઍસો.
