લગ્નપ્રસંગોમાં હાજર રહેતા લોકોમાં ભય પ્રસરી ગયો, લગ્નો પણ સાદાઇથી થવા લાગ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 27 નવે.
છેલ્લા ઘણા સમયથી કોરોના લોકડાઉનને કારણે શુભપ્રસંગો પર રોક લાગી ગઇ હતી પરંતુ સરકારે અનલોક અતર્ગત થોડીઘણી છૂટછાટો આપતા બજારમાં સંચાર જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરમાં જ દિવાળી બાદ સંક્રમણ વધતાં કેટલાક પ્રસંગો તો રદ જ થઇ ગયા છે પરંતુ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ સુધી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને ધંધો મળે તેવા અણસાર નથી. અલબત્ત આ ચાર મહિના સુધી સંપૂર્ણપણે ઠપ રહેશે તેમ મનાય છે. આ કંપનીઓએ હાલમાં ઓર્ડર લેવાનું જ બંધ કર્યું છે.
હાલમાં સરકારે લગ્નમાં વધુમાં વધુ 100 લોકોને છૂટ આપતાં લોકો વધુ ગૂંચવાયા છે અને કેટલાક લોકોએ પોતાના પ્રસંગોને મુલતવી રાખ્યા છે. ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના પ્રમુખ જયદીપ મહેતાએ જણાવ્યું હતું કે બધુ જ આયોજન કરીએ, મહેનત કરીએ અને છેલ્લે પ્રસંગો રદ થઇ જાય છે. લોકો ઘણા ડરેલા છે. લોકોને બીક છે કે પ્રસંગ લઇને પૈસાનું પાણી કરીએ અને છેલ્લે રદ કરવો પડે તો શું થાય? આ ઉદ્યોગને નુકસાન કેટલું હશે તેનો અંદાજ તો નથી પરંતુ ભારે મોટો ફટકો પડશે તેમ લાગી રહ્યુ છે. અત્યારે તો અમે ફક્ત નુકસાન જ ગણીએ છીએ. હાલમાં અમારા કોઇ નિયમો કામ કરતા નથી. 100 વ્યક્તિઓની હાજરીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની કામગીરી પણ ન દેખાય.
અમદાવાદ શહેરમાં ચાર દિવસમાં પોલીસ પાસે લગ્ન સહિત સામાજિક પ્રસંગની 380 અરજીઓ આવી છે, જેમાં લગ્ન ઉપરાંત યજ્ઞ, કથા, સીમંત સહિતના સામાજિક પ્રસંગ યોજવાની માંગ કરવામાં આવી છે.
પોલીસે અરજદારોને કોરોનાની ગાઈડલાઈન મુજબ મંજૂરી પણ આપી છે. પોલીસે અરજદારોને સૂચન પણ આપ્યું છે કે, અલગ અલગ વાનગીના ટેબલ સાથે માસ્ક અને સેનેટાઈઝરના ટેબલ પણ મુકવામાં આવે.
ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીઓએ નવું કામ લેવાનું બંધ કર્યું
