જેએસડબલ્યુ સિમેન્ટ ડિસેમ્બર, 2022 સુધીમાં લિસ્ટિંગ મેળવશે

જેએસડબલ્યુ સિમેન્ટ ડિસેમ્બર, 2022 સુધીમાં  લિસ્ટિંગ મેળવશે
મુંબઈ, તા. 27 નવે.
આર્થિક ગતિવિધી ધીમી પડવાથી અને કોવિડ-19 ને કારણે સર્જાયેલી અડચણોને કારણે જેએસડબલ્યુ સિમેન્ટે તેના આઈપીઓને બે વર્ષ પાછો ઠેલ્યો છે અને ડિસેમ્બર 2022ની આસપાસ લિસ્ટીંગ કરવાનું લક્ષ્ય રાખે છે,એમ કંપનીના ટોચના સૂત્રોએ  જણાવ્યું છે.  
કંપનીએ રૂ. 3600 કરોડના ખર્ચે વર્ષ 2023 સુધીમાં 250 લાખ ટનની સંગઠિત સિમેન્ટ ક્ષમતા હાંસલ કરવાની યોજના ઘડી છે.  
 મેનાજિંગ ડિરેક્ટર પાર્થ જિંદાલે  ઓડિશાની શિવા સિમેન્ટના વિસ્તરણ વિશેની જાણકારી આપતાં કહ્યું કે, વર્ષ 2019માં સિમેન્ટ ક્ષેત્રની નકારાત્મક વૃદ્ધિ હતી અને વર્ષ 2020માં કોવિડને કારણે અસર થઈ છે. આ જોતાં તાર્કિક રીતે ડિસેમ્બર 2022નો સમય આઈપીઓ લાવવા માટે યોગ્ય હશે.  
જિંદાલે કહ્યું કે વર્ષ 2021ના પહેલા છ માસિકમાં સિમેન્ટની માગમાં વાર્ષિક ધોરણે 29 ટકાનો ઘટાડો થયો હતો, પણ બીજા છ માસિકમાં માગ 10 ટકા વધવાની ધારણા હતી, એટલે કે આખા વર્ષ દરમિયાન માગમાં સાત ટકા જેટલો ઘટાડો થવાની ધારણા હતી. જેએસડબલ્યુ સિમેન્ટને મંદીની અસરને કારણે પહેલા છ માસિકમાં વોલ્યુમમાં 17 ટકાના ઘટાડાનો સામનો કરવો પડ્યો. જોકે, વર્ષ 2021માં વોલ્યુમ અને આવકમાં 20 ટકા વૃદ્ધિનું લક્ષ્ય હતું. વર્ષ 2020માં કંપનીનું વોલ્યુમ રૂ. 3000 કરોડ નોંધાયું  હતું જે વર્ષ 2021માં વધીને રૂ. 3600 કરોડ થવાની ધારણા હતી. કંપની પાસે અત્યારે પુરાંત છે જેનું વેચાણ થઈ રહ્યું છે. તેમણે  વધુમાં કહ્યું કે, કંપનીએ તેના તમામ પ્રોજેક્ટ્સનું વિસ્તરણ શરૂ કર્યું છે. આમાં ઓડિશાની શિવા સિમેન્ટના ક્લિન્કર અને ગ્રાઈન્ડિગ યુનિટ તથા ગ્રુપ સ્તરે જેએસડબલ્યુ સિમેન્ટનો સમાવેશ છે. શિવા સિમેન્ટમાં કંપનીનો 59 ટકા હિસ્સો છે. તેની માટે રૂ. 1500 કરોડના રોકાણની યોજના છે, જ્યારે ગ્રુપ સ્તરે બે-ત્રણ વર્ષમાં રૂ. 2100 કરોડનું રોકાણ કરાશે. કંપની દોલવીમાંના ગ્રાઈન્ડિગ યુનિટમાં રૂ. 500 કરોડ અને આંધ્રપ્રદેશના નંદયાલમાં આવેલા એકમમાં રૂ. 400 કરોડનું રોકાણ કરશે. તામિલનાડુના સાલેમમાં રૂ. 100 કરોડના ખર્ચે બે ગ્રાઈન્ડિગ યુનિટ્સ ઉમેરાયા છે. પશ્ચિમ બંગાળના સાલબોનીમાં પણ રોકાણ કરવાની યોજના છે. 
આ વિસ્તરણ માટે રૂ. 1000 કરોડ ઋણ સાધનો દ્વારા, રૂ. 1000 કરોડ આંતરિક સ્ત્રોતો દ્વારા અને રૂ. 1500 કરોડની શેર મૂડી ઉમેરીને ભંડોળ પૂરું કરાશે એમ જણાવતાં જિંદાલે કહ્યું કે ઈક્વિટી મેળવવા માટે કંપની ભારત અને વિદેશની કંપનીઓ સાથે ચર્ચા કરી રહી છે, વર્ષ 2021ના અંત સુધીમાં 20 કરોડ ડોલર એકત્ર કરાશે. આ ભંડોળ મેળવવા માટે સિટીને બેન્કર તરીકે નિયુક્ત કરાઈ છે. આને કારણે કંપની બે વર્ષમાં વાર્ષિક 250 લાખ ટનની ક્ષમતા હાંસલ કરી શકશે જે અત્યારે 140 લાખ ટન છે. કંપની પ્રમોટર્સને રૂ. 150 કરોડના પ્રેફરન્શિયલ શેર્સ ઈશ્યુ કરશે અને પછીથી રાઈટ્સ ઈશ્યુ પણ લાવશે. જોકે, આ પ્રક્રિયામાં રૂ. 2800 કરોડના ડેબ્ટના લક્ષ્યને નહીં વટાવવાનું પણ ધ્યાન રખાશે કારણકે દર વર્ષે રૂ. 1000 કરોડની લોન ચૂકવવાનું કંપની જાળવી રાખશે.  
પૂર્વ ભારતમાં બજાર હિસ્સો વધારવા માટે શિવા સિમેન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે. ત્યાં સિમેન્ટના ઉત્પાદનનો ખર્ચ ઓછો છે. જિંદલે કહ્યું કે પૂર્વમાં 36 લાખ ટનની ગ્રાઈન્ડિગ ક્ષમતા છે જ્યારે સલબોનીમાં 24 લાખ ટનની ક્ષમતા છે. ઓજિશાના જાજપુરમાં 12 લાખ ટનની ક્ષમતા છે. આ પ્લાન્ટ્સ આંધ્રપ્રદેશના સસ્તા ક્લિકરનો ઉપયોગ કરે છે. શિવા સિમેન્ટના વિસ્તરણથી બે યુનિટ્સને આક્રમક દરે ક્લિન્કર મળશે. આને કારણે કંપનીનો ખર્ચ ઘટશે અને દાલમિયા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સાથે સ્પર્ધા કરી શકશું. 
તેમણે કહ્યું કે ઓડિશામાં વિસ્તરણને કારણે દૈનિક 4000 ટન કિલ્ન મળશે જે 13.6 લાખ ટન ક્લિન્કર પૂરો પાડશે અને વાર્ષિક 450 લાખ ટન સિમેન્ટ મેળવી શકાશે. શિવામાં 10 લાખ ટનના ગ્રાઈન્ડિગ યુનિટ સાથે અને સાઈટ ઉપર તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં રેલવે સાઈડિંગ, ઓવર-હેડ કન્વેયર બેલ્ટ્સ, વેસ્ટ ટુ હીટ રિકવરી અને કોમ્પલેક્સની અંદર પાવર પ્લાન્ટનો સમાવેશ છે, તે જેએસડબલ્યુનું 2009માં નંદયાલમાં રોકાણ કર્યા પછીનું સૌથી મોટું રોકાણ બનશે. ઈક્વિપમેન્ટ માટે થિસનકૃપ સાથે કોન્ટ્રાક્ટ કરાયો છે જ્યારે સિવીલ અને બાંધકામ માટે એલએન્ડટીને કોન્ટ્રાક્ટ અપાયો છે. આત્મનિર્ભર ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રોકાણમાં ચીનનો કોઈ સહયોગ નથી લેવાયો. 
જિંદલે કહ્યું કે કંપની કેલેન્ડર વર્ષ 2020માં આઈપીઓ લાવવા માગતી હતી પણ વર્ષ 2019માં માગમાં ઘટાડો અને વર્ષ 2020માં કોવિડ-19 ને કારણે નિયંત્રણો હોવાથી આઈપીઓની યોજનાને અસર થઈ છે. આવનારા સમયમાં માગ વધવાની ધારણા છે અને ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીના લિસ્ટીંગની આશા છે. કંપની રૂ. 2500થી રૂ. 2700 કરોડ એકત્ર કરવા ધારે છે જે કંપનીની રૂ. 27,000 કરોડના ઈક્વિટી મૂલ્યના 10 ટકા ડાયલ્યુશન છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer