વડા પ્રધાન આજે કરશે અમદાવાદ, પુણે, હૈદરાબાદમાં કોરોના વૅક્સિનની તૈયારીનું પરીક્ષણ

વડા પ્રધાન આજે કરશે અમદાવાદ, પુણે, હૈદરાબાદમાં કોરોના વૅક્સિનની તૈયારીનું પરીક્ષણ
મહત્ત્વની જાહેરાત થવાની સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 27 નવે.
ગુજરાતમાં કોરોના વૅક્સિન પહોંચી ચૂકી છે અને ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. એવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે કોરોના વૅક્સિનનું જ્યાં ઉત્પાદન થાય છે તેવા દેશનાં ત્રણ શહેરોની મુલાકાત લેવાના છે. એ પૈકી તેઓ અમદાવાદ શહેરની ટૂંકી મુલાકાત લેશે. વડા પ્રધાન કાર્યાલયે શુક્રવારે બપોરે સાડા ત્રણે કરેલી ટ્વીટમાં આ મુદ્દે સત્તાવાર જાહેરાત થઇ છે. આવતી કાલે તેઓ વૅક્સિનની ઉત્પાદનની પ્રક્રિયા ત્રણ શહેરોમાં ફરીને રૂબરૂ નિહાળશે. વડા પ્રધાન અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂનામાં સીરમ ઇન્સ્ટિટયૂટની મુલાકાત લેશે. વડા પ્રધાન વૅક્સિન વિશે મહત્ત્વની ઘોષણા કરે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
વડા પ્રધાનની મુલાકાત સમયે કે બાદમાં ટૂંક સમયમાં જ કોરોના વૅક્સિનનું એલાન થાય એવો આશાવાદ મુલાકાતને કારણે જન્મ્યો છે. વડા પ્રધાન 28 નવેમ્બરે ગુજરાતમાં ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઝાયકોવ-ડી નામની કોરોનાની વૅક્સિનને લઈને મોટી જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પુણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશીલ્ડ વૅક્સિનના પ્રોડક્શનનું કામ ઝડપી કરી દીધું છે. સીરમ ઇન્સ્ટિટયૂટની તૈયારીઓ જોવા તેઓ ત્યાં પણ જવાના છે.  
વડા પ્રધાન ઝાયડસની મુલાકાત કરશે. એ માટે તેઓ સવારે સાડા નવ વાગ્યે પહોંચી જાય તેવી સંભાવના છે. એ પછી 12.30 કલાકે પૂના જશે. બાદમાં હૈદરાબાદ જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદ અને પુણેની મુલાકાત લીધા બાદ હૈદરાબાદની રસી ઉત્પાદક કંપની ભારત બાયોટેકની મુલાકાત લેશે. ભારત બાયોટેકમાં દેશની સૌપ્રથમ કોવેક્સિન વિકસાવાઈ રહી છે. વડા પ્રધાન હૈદરાબાદ હાકિમપેટ ઍરફોર્સ સ્ટેશનેથી સીધા જીનોમ વેલી સ્થિત ભારત બાયોટેક કંપનીની મુલાકાત લેશે.
વડા પ્રધાન ભારત બાયોટેકમાં કોવેક્સિનની તૈયારીની સમીક્ષા કરશે અને બજારમાં ક્યારે ઉપલબ્ધ થશે તે વિશે અધિકારીઓ સાથે મંત્રણા કરશે. સાંજે 5.30 કલાકે તેઓ દિલ્હી પાછા ફરશે.
વડા પ્રધાન મોદી અમદાવાદની ઝાયડસ કંપનીમાં કોરોના વૅક્સિનની કાર્યવાહી અંગેનું નિરીક્ષણ કરશે. ઝાયડસ દ્વારા ઝાયકોવ-ડી નામની વૅક્સિનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઝાયડસમાં વડા પ્રધાન મોદીના આગમનની તૈયારીઓ થઇ ચૂકી છે. તેઓ સીએમડી પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરશે અને બંનેની વાતચીત દરમિયાન કોરોના વૅક્સિનના ડિસ્ટ્રીબ્યુશન મુદ્દે પણ ચર્ચા થાય તેવી સંભાવના છે.  
નોંધનીય બાબત એ છે કે અમદાવાદમાં કોરોના વૅક્સિનનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રાયલમાં પ્રથમ દિવસથી જ લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર લોકો ફોન અને ઈમેલ દ્વારા પૂછપરછ કરી રહ્યા છે. કોરોનાના આ કપરા કાળમાં ડૉક્ટરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને વૈજ્ઞાનિકો પણ વૅક્સિન સંશોધન કરી રહ્યા છે. ત્યારે વડા પ્રધાન મોદીએ વૅક્સિન બનાવતી કંપની અને ડૉક્ટરોને મળવાનું નક્કી કર્યું છે. જેને લઈને ડૉકટરો અને વૈજ્ઞાનિકોમાં ખુશી જોવા મળી રહી હતી.  
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઝાયડસ કેડિલા 100 મિલિયન ડોઝ વૅક્સિન બનાવશે. 2021ના પ્રથમ છ મહિનામાં વૅક્સિન ઉપલબ્ધ બનશે. કેડિલાની વૅક્સિનને લોવર કોલ્ડ ચેનની જરૂર પડશે

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer