અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 12 જાન્યુ.
રાજસ્થાનમાં વપરાતાં શાકભાજી હવે ગુજરાતનો ખેડૂત વાવતો થયો છે અને તેનું માર્કેટ પાછું રાજસ્થાન જ છે. બનાસકાંઠા પંથકમાં અમુક ખેડૂત હવે સપલ ટીંડા નામનું ફળ વાવે છે. ઘરે બનતી શાકભાજી બનાવવામાં ઉપયોગી છે જે રીતે આપણે રીગણા કે બટેટાનું શાક બનાવીએ છીએ તે રીતે જ સપલ ટીંડાનું પણ શાક બને છે. રાજસ્થાનમાં આનો ખૂબ જ ઉપયોગ થાય છે જેના કારણે ગુજરાતનો ખેડૂત હવે આ તરફ વળશે.
બનાસકાંઠાના અંતરિયાળ અને મુખ્ય ખેતી ઉપર આધારિત અમીરગઢ વિસ્તારમાં ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યાં છે અને ફળ ફળાદી ખેતી ઉપર વધુ ધ્યાન આપી રહ્યા છે. હવે અનાજ અને કઠોળની ખેતી છોડી બાગાયતી ખેતી કરતા જોવા મળી રહ્યા છે સામન્ય ખેતીમાં રોગ અને ભાવ બંનેથી હેરાન થતા ખેડૂતો હવે રોકડીયા પાક તરફ વળ્યાં છે.
અમીરગઢના જુનિરોહના ખેડૂત કીકાભાઈ માળી રાજસ્થાનમાં થતી સપલ ટીંડાની ખેતીમાં રસ દાખવતા રાજસ્થાનથી બિયારણ લાવી અને પાક પણ રાજસ્થાનમાં વેપાર કરી સારી આવક રળી રહ્યા છે.
શરૂઆતમાં રૂા. 60 હજારના ખર્ચે ત્રણ વિઘામાં વાવેતર કરી છે અને શરૂઆતમાં રૂપિયા સવાલાખની આવક કરી સારી સફળતા પ્રાપ્ત કરી હોવાથી હવે વધારે પાકની તૈયારી કરી રહ્યા છે વાવણી કર્યા બાદ માત્ર એક માસમાં જ પાક તૈયાર થઈ જતા ઓછા રોકાણ અને ઓછા સમયમાં આવક આ પાકમાં મેળવી શકાય છે તેવું કીકાભાઈ માળી જણાવે છે.
આ શાકભાજી માત્ર રાજસ્થાનમાં જ થાય છે માટે ગુજરાતમાં આનું વપરાશ નહિવત્ પણે થાય છે માટે પાક તૈયાર કરી રાજસ્થાનમાં વેચી રહ્યા છે અને શરૂઆતમાં જ કિલો દીઠ પચીસ રૂપિયાનો ભાવ મેળવી સારી આવક કરી રહ્યા છે.