રાત્રિ કરફ્યુનો સમય વધતાં રેસ્ટોરાં બિઝનેસમાં 15 ટકાનો ઉછાળો

અમદાવાદને સૌથી વધારે ફાયદો, અન્ય શહેરોમાંય ધંધો 10 ટકા વધ્યો 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ.તા.12 જાન્યુ. 
ગુજરાતીઓ સ્વાદપ્રિય છે. એ કારણે છેલ્લા દશકામાં રેસ્ટોરન્ટનો કારોબાર લગભગ બમણો થઇ ગયો છે. જો કે કોરોનામાં અન્ય ધંધાની જેમ રેસ્ટોરન્ટને પણ કારમો ફટકો પડ્યો છે. અનલોક વન ન આવ્યું ત્યાં સુધી રેસ્ટોરા અને હોટેલ બંધ જ હતા. જોકે ધીરે ધીરે રેસ્ટોરન્ટ કારોબારે વેગ પકડ્યો  હતો. હવે રાત્રિના 10 વાગ્યા સુધી છૂટ મળતા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત શહેરમાં  રેસ્ટોરન્ટ કારોબારમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. અલબત્ત પહેલા જેવી રોનક નથી. લોકોને ભોજન લઇને ફટોફટ નવ વાગ્યે ઘેર નીકળી જવાનો મનમાં ઉચાટ હોય છે. 
ગુજરાત હોટેલ ઇન્ડસ્ટ્રીના આગેવાન જશવંત ચૌહાણ જણાવે છે કે અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ 9 વાગ્યા સુધી હતો ત્યાં સુધી રેસ્ટોરન્ટનો ધંધો માંડ 30% ઉપર ચાલતો હતો, પરંતુ સરકારે છેલ્લા 2 સપ્તાહથી રાત્રીના 9 ને બદલે જે 10 વાગ્યાનો સમય કર્યો તેના કારણે ખુબ જ સકારાત્મક અસર પડી છે અને રેસ્ટોરન્ટમાં લોકોની સંખ્યા 10 થી 15% વધી જતા લગભગ 45% સુધી ખાણીપીણીનો ધંધો પહોંચી ગયો છે. 
જો કે રેસ્ટોરન્ટ કારોબાર સાથે જોડાયેલા અગ્રણીઓ કહે છે કે હજુ 11 વાગ્યા સુધીનો સમય કરવામાં આવે તો ઘણો ફાયદો થઇ શકે તેમ છે. 10 વાગ્યા સુધી છૂટ છે તો પણ કોઈ ગ્રાહક જાંણવા આવે તો છેલ્લો ઓર્ડર 9 વાગ્યે જ લઇ લેવો પડે છે અને રેસ્ટોરન્ટ વાઈન્ડઅપ કરતા જ સમય લાગે છે.  
અમદાવાદમાં અંદાજે 1200 થી વધુ નાના મોટા રેસ્ટોરન્ટ આવેલા છે. લોકો મોટાભાગે રાત્રીના 9 વાગ્યા પછી પરિવાર અને મિત્રો સાથે જમવા જતા હોય છે. કમ સે કમ રાત્રીના 11 વાગ્યા સુધી જમણવાર ચાલતો હોય છે. જો કે એક કલાક કર્ફ્યુમાં છૂટ મળતા રાહત પણ થઇ છે. 
અમદાવાદની જેમ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ એક કલાક કર્ફ્યુ સમય ઓછો થતા ધંધામાં અંદાજે 5-10% જેટલો ઉછાળો આવ્યો છે, પરંતુ સૌથી વધુ લાભ અમદાવાદને થયો છે. જો મકરસંક્રાંતિ પછી કોરોના કેસ કાબુમાં રહેશે તો શક્ય છે કે સરકાર રાત્રી કર્ફ્યુનો સમય વધુ એક કલાક ઓછો  થાય એટલે કે 11 વાગ્યા સુધી છૂટ મળી શકે તેમ છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer