ઉદ્યોગકારોની મુશ્કેલી વધી જતાં વડા પ્રધાનને રજૂઆત
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 12 જાન્યુ.
ભારત સરકારે આત્મનિર્ભર બનવાના આશયથી ઘરેલુ ઉદ્યોગને આયાત થતા કાચા માલની હરીફાઇ ન નડે એ માટે વાટાઘાટો અને અમુક પગલાં લેવાનું શરૂ કર્યુ છે. બરાબર એવા સમયે પ્રોસેસ હાઉસમાં વપરાતા કાચા માલ જેવા કે રૂ, યાર્ન, વિસ્કોસ ફાયબર, યાર્ન, પોલીયેસ્ટર ફાયબર, કોલસો, ડાઇઝ અને કેમિકલ્સ જેવા તમામમાં મોટી કંપનીઓએ કાર્ટેલ રચીને કૃત્રિમ અછતનું વાતાવરણ ઊભુ કર્યુ છે. કાર્ટેલને લીધે કાચા માલમાં છેલ્લા 60 દિવસોથી અકલ્પ્ય ભાવ વધારો જોવા મળ્યો છે.
અમદાવાદ ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રમુખ નીતિન ઠક્કરે જણાવ્યુ હતુ કે આ બાબતે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરી છે. કાપડ ઉદ્યોગમાં વપરાતી તમાંચીજવસ્તુઓમાં દરેક તબક્કામાં થયેલા 40 ટકા ભાવવધારાઅને કૃત્રિમ અછત તરફ તેનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે.
કૃત્રિમ ભાવ વધારા અને કાર્ટેલને કારણે 10 ટકા મોટા અને વગ ધરાવતા ઉદ્યોગો તેમજ વેપારીઓના નફાના ધોરણ મોટા પ્રમાણમાં વધી ગયા છે અને 90 ટકા નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ વેપારીઓ કપરા સમયનો સામનો કરી રહ્યા છે.