અમારા પ્રતિનિધિ દ્વારા
મુંબઈ 12 જાન્યુ.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પકડાયેલા જીએસટી કૌભાંડોને લીધે મુંબઈ અને ગુજરાતના બિનલોહ ધાતુના વેપારમાં અવિશ્વાસ અને ચિંતાનું વાતાવરણ ઘેરાતું જાય છે. બિનલોહ પાટા-પટ્ટી પતરાના સ્થાનિક અગ્રણી ઉત્પાદકે વ્યાપારને જણાવ્યું કે સંખ્યાબંધ કેસોમા 100 ટકા જીએસટી ભરીને માલ લેનાર-વેચનારને પણ દોઢબે વર્ષ અગાઉના વ્યવહારો બાબતે પુન:ચકાસણીમાંથી પસાર થવાનો અનુભવ થયો હોવાથી હવે કોની સાથે વ્યવહાર કરવો સુરક્ષિત કહેવાય તે બાબતે ચિંતા વધતી જાય છે.
એક સ્થાનિક અગ્રણી ટ્રેડરે જણાવ્યુ` કે એકાદ વર્ષ અગાઉ ધાતુ ભંગાર ખરીદવાનો તદ્દન સાચો સોદો કર્યા છતા એક વેપારીને જીએસટી ભર્યાના પુરાવા, ઈ-વે બીલ, ટ્રાન્સપોર્ટની રસીદ સહિતના દસ્તાવેજો આપવા પડયા હતા. તેમણે જણાવ્યું કે આ સોદામાં ખરીદનાર અને વેચનાર બંને સાચા હતા, પરંતુ દેશાવરનો માલ મોકલનાર પાર્ટીનું કૌભાંડ પકડાતાં અહીંના વેપારીઓને કનડગતનો ભોગ બનવું પડ્યું હતું.
લોખંડ અને બિનલોહ ધાતુ ભંગારના મોટા વેપારી સપ્લાયરો ઘણે ભાગે જંગી ભંગાર પેદા કરતી લિમિટેડ કંપનીઓ સાથે કામ કરે છે. પરંતુ મધ્યમ વેપારીઓ દિલ્હી, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારતનાં કેન્દ્રોના વેપારીઓ સાથે વિશ્વાસે કામ કરતા હોવાથી તેમને શોષાવાનો વારો આવશે એમ આ કૌભાંડ જોતાં હવે બજારનાં વર્તુળોને લાગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિનલોહ ધાતુઓનું ઉત્પાદન સ્થાનિકમાં 30 ટકા વર્જીન (હિન્દાલ્કો-સ્ટરલાઇટ જેવી કંપનીઓનું ઉત્પાદન) અને 70 ટકા ભંગારના રિમોલ્ડ પર આધારિત હોવાથી બજારમાં સખત અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.
બૉમ્બે મેટલ એક્ષચેંજના ભૂતપૂર્વ પ્રમુખ રોહિતભાઈ શાહે જણાવ્યું કે 100 ટકા સાચો વેપાર કરનારને પણ હવે સોદો કરવાનો ભય લાગે તે સ્વાભાવિક છે. અગાઉ સેલ્સટેક્સ અને વેટ નંબર માગતી અરજી કર્યા પછી જે તે વિભાગના કર્મચારી તે પાર્ટીની ખરાઈની ચકાસણી કરવા દુકાનની મુલાકાતે આવ્યા પછી જ સેલટેક્ષ-વેટ નંબર જારી થતા હતા. પરંતુ હવે જીએસટીમાં બધું જ ઓનલાઇન થવાને કારણે બોગસ પાર્ટીઓ દ્વારા જીએસટીની ચોરી વધી હોય તેમ જણાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે.