સીટેક્ષમાં બે હજારથી વધુ મશીનોનાં વેચાણનો અંદાજ

સીટેક્ષમાં બે હજારથી વધુ મશીનોનાં વેચાણનો અંદાજ
વર્ષારંભે કાપડઉદ્યોગના પ્રથમ પ્રદર્શનથી વેપારને વેગ  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત તા. 12 જાન્યુ. 
સુરતમાં 2021ના આરંભે યોજાયેલા સીટેક્ષ(સુરત ઇન્ટરેનશનલ ટેક્સટાઇલ એક્ઝીબીશન)ને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. એક અંદાજ મુજબ ત્રણ દિવસમાં પ્રદર્શનમાં ભાગ લેનાર કંપનીઓને અંદાજે બે હજાર જેટલા અત્યાધુનિક મશીનરીના ઓર્ડર મળ્યા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે.  
ત્રણ દિવસ દરમ્યાન  સીટેક્ષ પ્રદર્શનની 21 હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. સૌથી વધુ 9 હજાર જેટલા લોકો રવિવારના દિવસે પ્રદર્શનમાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજીત પ્રદર્શનમાં ભાગ લેવા માટે અગાઉથી ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત હતી. ઓનલાઇન નોંધણી વખતે જ ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહ હકારાત્મક રહ્યો હતો જે પ્રદર્શન દરમ્યાન અકબંધ રહ્યો હતો 
આધુનિક વોટરજેટ, એરજેટ, રેપીયર જેકાર્ડ, ઇન્ડીજીનયસ નીડલ બેઇઝડ મશીન, ટીએફઓ, એમ્બ્રોઇડરી મશીનોના સોદા થયા છે.  સાહસિકોએ સુરતમાં બનેલા ઇન્ડીજીનીયસ નીડલ લુમ્સ મશીનોની ખરીદી માટે ઉત્સાહ દાખવ્યો છે. એક હજાર ઉંચા આરપીએમથી ચાલતા એરજેટ મશીન વસાવવા માટે પણ કાપડ ઉદ્યોગકારોનો ઉત્સાહ નોંધનીય રહ્યો હતો.  
સીટેક્ષ પ્રદર્શનથી અંદાજે આગામી દિવસોમાં રૂા. 600 થી 700 કરોડનો ટેક્સટાઇલ મશીનરીનો વેપાર થશે તેવું જાણકારોનું માનવું છે. જેથી સુરતના કાપડઉદ્યોગને વેગ મળી રહેશે. આમ પણ કોરોનાકાળમાં મુશ્કેલીના તબક્કામાંથી કાપડઉદ્યોગ પસાર થઇ રહ્યો છે. એવામાં જો ટફ જેવી યોજનાઓના લાભ મેળવીને ઉદ્યોગ સાહસિકો નવી મશીનો વસાવી એકમોનું વિસ્તરણ કરે તો કાપડઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાશે.  
વર્ષના પ્રથમ પ્રદર્શનમાં જે પ્રકારે ઉદ્યોગ સાહસિકોએ રસ દાખવ્યો છે તે જોતા આગામી દિવસોમાં વેપારી ગતિવિધીઓ ઝડપી બનશે. કાપડઉદ્યોગમાં થોડા સમયથી થઇ રહેલા સુધારાના પગલે શહેરના બીજા મોટા એવા હીરાઉદ્યોગમાં ઝડપી સુધારાની આશા બંધાઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer