બમ્પર પાકની સંભાવનાએ ખેડૂતોમાં ચિંતા
અમારા પ્રતિનિધિ તરફથી
ગુંટૂર, તા. 12 જાન્યુ.
મકરસંક્રાતિના તહેવારની સાથે ઠંડીની સિઝનની વિદાય શરૂ થશે અને સાથે સાથે લાલ મરચાંના ખેડૂતના ચહેરા ઉપરથી ખુશી ગાયબ થશે, કારણ કે આગામી સમય પાકની લણણી હશે. લાલ મરચાંના ખેડૂતો ચિંતિત છે કારણ કે મરચાની લણણી વધતાં તેમજ આવકમા વૃદ્ધિની સાથે હાજર બજારમાં તેના ભાવ નીચે આવી શકે છે.
વેપારીઓનું કહેવુ છે કે આંધ્રપ્રદેશની મંડીઓમાં મકરસંક્રાતિ બાદ નવા લાલ મરચાંની આવક શરૂ થવાની અપેક્ષા છે તેમજ જાન્યુઆરીના મધ્યથી તેની લણણીનું કામ પુરજોશમાં શરૂ થાય છે. અલબત્ત આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મધ્યપ્રદેશની મંડીઓમાં લાલ મરચાના નવા પાકની આવક શરૂ થઇ ચૂકી છે પરંતુ તેની આવકનું પ્રમાણ આગામી સપ્તાહોમાં વધશે. વેપારીઓનું કહેવુ છે કે નવો પાક બમ્પર થવાની સંપૂર્ણ સંભાવના છે. એવામાં નવા પાકની સપ્લાયનું દબાણ અને પુરતા કેરી ફોરવર્ડની સાથે વપરાશમાં આવેલ ઘટાડાથી આગામી દિવસોમાં તેના ભાવ પર દબાણ જોવા મળી શકે છે. નોંધનિય છે કે, વર્ષ 20220-21 (જુલાઇ-જૂન)માં દેશમાં મરચાનું ઉત્પાદન 17 લાખ ટન અંદાજવામાં આવી રહ્યુ છે જે પાછલી સીઝનની તુલનામાં 10-15 ટકા વધારે હશે.
વેપારીઓના અંદાજ મુજબ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લાલ મરચાનો કેરી ફોરવર્ડ સ્ટોક 1.20થી 1.40 લાખન અંદાજવામાં આવી રહ્યો છે જ્યારે મધ્યપ્રદેશમાં તે નહિવત છે. દેશમાં ઉત્પન્ન થતાં લાલ મરચામાં આંધ્રપ્રદેશની હિસ્સેદારી લગભગ 45 ટકા છે જ્યારે ત્યારબાદ તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનું મોટું યોગદાન છે
આંધ્રપ્રદેશની મુખ્ય મંડી ગુંટૂરમાં તેજા વેરાયટી લાલ મરચા 140-150 રૂપિયા પ્રતિ કિગ્રા વેચાઇ રહ્યા છે જ્યારે એલસીએ-334 વેરાયટીનો ભાવ 115-125 રૂપિયા છે. વેપારીઓના મતે જાન્યુઆરીના મધ્ય બાદ તેજાના ભાવ ઘટીને 120 રૂપિયા અને એલસીએ-334ના ભાવ 80-90 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ શકે છે. નવા મરચામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી તેની માંગ સુસ્ત છે તેમજ વેપારીઓ મકર સંક્રાતિ બાદ આવક વધવાથી તેમજ ભેજ ઓછો થવાની રાહ જોઇ રહ્યા છે. હાલના દિવસોમાં લાલ મરચાની દૈનિક આવક 15-20 હજાર બોરી (પ્રતિ બોરી 40 કિગ્રા) છે. આ આવક મકર સંક્રાતિ બાદ વધીને 30-40 હજાર બોરી તેમજ ફેબ્રુઆરીમાં 90 હજારથી એક લાખ બોરી પહોંચી જવાની અપેક્ષા છે.
મધ્યપ્રદેશમાં નિકાસ ક્વોલિટીના લાલ મરચાનો ભાવ 145 રૂપિયાથી ઘટીને 115-120 રૂપિયા પ્રતિ કિગ્રા આવી ગયા છે. વેપારીઓનું કહેવુ છે કે ચાલુ વર્ષે ચાલ મરચાના ભાવમાં વૃદ્ધિની અપેક્ષા ઓછી છે કારણ કે કોરોના મહામારીને કારણે તેના વપરાશમાં ઘટાડો આવ્યો છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, ચીન તેમજ ઇન્ડોનેશિયાની ખરીદી પણ કોરોનાના લીધે મંદ છે. સ્થાનિક બજારની વાત કરીયેતો રેસ્ટોરન્ટ્સ, હોટેલ, સ્ટ્રીટ ફૂડ વગેરે બંધ હોવાથી મોટી વપરાશ અટકી ગઇ છે. પરંતુ હવામાં કોઇ મોટો ફેરફાર થાય તેમજ પાક પર પ્રતિકૂળ અસર પડે તો મરચાંના ભાવ વધી શકે છે.
મકરસંક્રાંતિથી નવાં લાલ મરચાંની આવક શરૂ થશે
